એક નહિ પણ ત્રણ બોગસ ટોલનાકા ચાલુ હતા
વાંકાનેર પાસે હાઇવે ઉપર બાયપાસ જવા માટેના ત્રણ રસ્તા ઉપર ગૌશાળાના નામે ઉઘરાણું કરાતુ
દાયકાથી ચાલતા ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલાયો અને ઉઘરાણું કરનાર ટોળકી સાથે વિવાદ ઊભો થતાં રેકેટ બહાર આવ્યું
વોઇસ ઓફ ડે રાજકોટ
વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. આ મામલે આ મામલે ભાજપ અગ્રણી સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, વઘાસીયા ગામના હરવિજયસિંહ જયુભા ઝાલા, ફેક્ટરીના માલિક અમરશી જેરામભાઈ પટેલ, અને વઘાસીયા ગામના રવિરાજજિસ વનરાજસિંહ ઝાલા અને તપાસમાં ખૂલે તે તમામ સામે ગુનો નોંધાયો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે પ્રાથમિક તપાસમાં એક નહિ પણ ત્રણ બોગસ ટોલનાકા ચાલુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાંકાનેર પાસેના કેન્દ્ર સરકાર માન્ય ટોલનાકાને બાયપાસ કરી બારોબાર હાઇવે ઉપર જવા આવવા માટે કુલ ત્રણ માર્ગો ઉપર આ ટોળકીએ ત્રણ બોગસ ટોલનાકા ચાલુ કરી સરકારને કરોડોનું નુકશાન પહોંચાડ્યું છે.
વાંકાનેર-મોરબી હાઇવે ઉપર ટોલનાકા પાસે આવેલ વઘાસીયા ગામ આસપાસ જે ત્રણ બોગસ ટોલનાકા ઊભા કરવામાં આવ્યા હતા તેમાં એક ટોલનાકા પાસે બંધ કારખાનામાં જયારે અન્ય ટોલનાકામાં એક ડાબી તરફ ગામ માંથી પસાર થતાં રોડ ઉપર અને ત્રીજું હાઇવે નજીક આવેલ નર્સરી ચોકડી તરીકે ઓળખાતા રસ્તે જે પાડધરા ગામ તરફ અને જીઆઇડીસી તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ ટોલટેક્ષના નામી ઉઘરાણું કરવામાં આવતું હતું. ગામના વિકાસ અને ગૌ શાળાના નામે આ ટોળકી દરરોજ નાના-મોટા વાહનો પાસેથી 70 થી 80 હજારની ઉઘરાણી કરતી હતી. ગૌશાળામાં દાનના ડબ્બા મૂકી ઉઘરાણું થતું હતું. ટોલનાકુ બાયપાસ કરીને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા જ્યારે નેશનલ હાઇવે ઓથોરીટી સંચાલતી ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.
પોલીસ ફરિયાદમાં જે પાંચ શખ્શો સામે ગુનો નોંધાયો છે તેમાં એક એવા શખ્સનું નામ સામે આવ્યું જેના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં ઉમિયાધામ સિદ્ધસર ના પ્રમુખ જેરામ પટેલનાં દીકરા અમરશીભાઈ જેરામભાઈ પટેલનું નામ પણ સામે આવ્યું છે. મોટો ખુલાસો થયો છે, જેમાં એક બે નહીં, 3 જગ્યાએ ગેરકાયદેસર ટોલનાકા ચાલુ હોવાથી સરકારને દૈનિક લાખોનો ચુનો લાગતો હોવાનું સામે આવ્યું છે. વઘાસીયા ટોલનાકાની પર દૈનિક આવક 15 લાખથી વધુ છે અને દોઢ વર્ષમાં 82 કરોડ રૂપિયાની કરી ગેરકાયદે વસૂલી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ બાદ પાટીદાર અગ્રણીનો પુત્ર તેમજ વાંકાનેર ભાજપ અગ્રણી સહિતની ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.
છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી આ ત્રણ ત્રણ ગેરકાયદેસર ટોલનાકા ચાલુ હતા છતાં તંત્રને કેમ નજર ના આવ્યું? આ કેસમાં પાટીદાર નેતાનો પુત્ર અને સરપંચ સહિત અનેક લોકો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તેમને શું બક્ષવામાં આવી રહ્યા છે. આ ટોલનાકું કોની રહેમનજરે ચાલી રહ્યું હતું તે હાલ એક મોટો પ્રશ્ન બનીને ઉભું છે. સૂત્રો માંથી મળતી વિગતો મુજબ આશરે છ માસ પૂર્વેજ ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલાયો અને હૈદરાબાદની કંપની જેણે આ ટોલનાકાનું સંચાલન સાંભળ્યું તે સંચાલકે આ નકલી ટોલનાકા ચલાવનારને અલ્ટિમેટમ આપ્યું હતું છતાં ગેરકાયદેસર ઉઘરાણા ચાલુ રહેતા મોટો વિવાદ ઊભો થયો અને અંતે આ રેકેટ બહાર આવ્યું.
બોક્ષ
પોલીસ પણ આંખ આડા કાન કરતી
નકલી ટોલનાકા મામલે અનેક સવાલો ઊભા થયા છે.આ ઘટનામાં છેલ્લા દોઢ વર્ષથી બોગસ ટોલનાકું ચાલી રહ્યું હતું, તેમ છતાં તંત્રને કેમ નજર ના આવ્યું? આ કેસમાં પાટીદાર નેતાનો પુત્ર અને સરપંચ સહિત અનેક લોકો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તેમને શું બક્ષવામાં આવી રહ્યા છે. આ ટોલનાકું કોની રહેમનજરે ચાલી રહ્યું હતું તે હાલ એક મોટો પ્રશ્ન બનીને ઉભું છે. બીજી તરફ આ મામલે કેટલીક ચોંકાવનારી મહિતી સામે આવી છે જેમાં પોલીસને આ મામલે અનેક ફરિયાદ કર્યા છતાં પોલીસ આંખ આડા કાન કરતી હતી. છેલ્લા એક દાયકામાં પોલીસને પણ અનેક વખત અરજી મળી અને પોલીસ કંટ્રોલમાં આ ટોલનાકા બાબતે ફરિયાદો પણ થઈ છતાં પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દેવતા અને જો દેકારો થાય તો સ્થળ ઉપર પહોંચી આ ટોળકીને ચેતવણી આપવાનું નાટક કરી પોલીસ રવાના થયા બાદ ફરી બેરોકરોક ઉઘરાણા ચાલુ જ રહેતા રાજકીયવગ ધરાવતી આ ટોળકી ઉપર થી નીચે સુધી તમામને સાચવીલેતી.
સરપંચના ખોટા દાખલા બનાવી અનેક વાહનનોની મફત અવર જવર
નેશનલ હાઇવે ઓથોરીટી સંચાલતી ટોલનાકા ઉપરથી નજીકના ગ્રામજનોના વાહનોને નિશુલ્ક અવર જવરની મંજૂરી આપાઈ હતી જેના માટે સરપંચનો દાખલો આપવો પડતો હોય ત્યારે જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વઘાસીયા ગામના ધર્મેન્દ્રસિંહે પોતાના નજીકના મિત્રો સહિતના અનેક લોકોને વઘાસીયા ગામમાં રહેતા ન હોવા છતાં ખોટા દાખલા આપી તેમના વાહનો ને ટોળનાકેથી મફત અવર-જવર કરાવી દેવામાં આવતી હોવાની વાત પણ સામે આવી છે ત્યારે આ મામલે જો પોલીસ તપાસ થાય તો ખોટા દાખલાનું કૌભાંડ પણ સામે આવી શકે છે.
બોક્ષ
કારખાનાનો ઉપયોગ પ્રોડક્શનને બદલે ઉઘરાણી માટે
વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ટોલનાકા પાસે આ ટોળકીએ વ્હાઈટ હાઉસ સિરામિકનાં કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો.આ બંધ ફેક્ટરીનો ઉપયોગ પ્રોડક્શનને બદલે ઉઘરાણી માટે થતો હતો અને પાટીદાર નેતાનો પુત્રએ આ કારખાનું પ્રોડક્શન માટે નહીં પણ ઉઘરાણી માટે જ ખરીદ્યું હતું અને સરપંચ સહિત અનેક લોકો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે ટોલનાકું રહેમનજરે ચાલી રહ્યું હતું