આજથી ત્રણ દિવસ ફરી માવઠાનું સંકટ : ઠંડી પણ વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું હવામાન ખાતાનું અનુમાન
એક તરફ શિયાળો બરાબર જામ્યો છે અને ઠંડીનો પારો નલિયા જેવા શહેરમાં સિંગલ ડીજીટમાં પહોચી ગયો છે ત્યારે હવામાન ખાતાએ આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. રાજકોટમાં ગઈકાલ (૧૦.૪ ડીગ્રી ) કરતા ઠંડીમાં થોડો ઘટાડો થયો છે અને તાપમાન ૧૧. ૨ ડીગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં વલસાડ નવસારી સુરત દમન દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી રાજકોટમાં પણ છુટા છવાયો વરસાદ પડી શકે છે. રવિવારથી સર્વત્ર વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.આ દરમિયાન ઠંડીનું જોર પણ વધી શકે છે.
સમગ્ર ઉત્તર ભારતમાં હાલ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ૭ જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢના અલગ-અલગ ભાગોમાં કડકડતી ઠંડીના દિવસો રહેવાની સંભાવના છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.