WTCના ફાઈનલમાં સળંગ ત્રીજી વખત પહોંચવા માટે ટીમ ઈન્ડિયા પ્રબળ દાવેદાર
ભારતે બાંગ્લાદેશ-ન્યુઝીલેન્ડ સામે પાંચ ટેસ્ટ ઘરઆંગણે રમવાની છે જેમાં તેનું પલડું રહેશે ભારે
જો ભારત આ પાંચેય ટેસ્ટ જીતી જાય છે તો તેનું લગભગ પાક્કું: આ ઉપરાંત પાંચ ટેસ્ટ ઑસ્ટે્રલિયા સામે તેના ઘરમાં રમશે
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ તમામ ટીમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ના ફાઈનલમાં પહોંચવાના સમીકરણ જાહેર કર્યા છે જેમાં ભારત માટે ઉજળી તક હોવાનું લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયા પાછલી બે સીઝનની ફાઈનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન્હોતી. ડબલ્યુટીસીનો ફાઈનલ પહેલી વખત ન્યુઝીલેન્ડ તો બીજી વખત ઑસ્ટે્રલિયાએ જીત્યો હતો. ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં ૬૮.૫૨% પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે.
ટીમ ઈન્ડિયાએ હવે ત્રણ ટીમ વિરુદ્ધ ૧૦ ટેસ્ટ રમવાની છે. જો ભારત આ દસેય મેચ જીતી જાય છે તો તે મહત્તમ ૮૫.૦૯% પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો કે દસેય મેચ જીતી ભારત માટે થોડી કપરી છે કેમ કે ૧૦માંથી પાંચ ટેસ્ટ તેણે ઑસ્ટે્રલિયા વિરુદ્ધ તેની જ ધરતી પર રમવાની છે.
ભારતની નજર ઘરઆંગણે રમાનારી પાંચ ટેસ્ટ મેચ પર રહેશે. રોહિત શર્મા એન્ડ બ્રિગેડ ૧૯ સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ પછી તેણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ રમવાની છે. જો ભારત આ પાંચેય ટેસ્ટ જીતવામાં સફળ રહે છે તો તે મહત્તમ ૭૯.૭૬% પોઈન્ટ સુધી પહોંચી જશે આવામાં તેનું ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત બની જશે.
જ્યારે ઑસ્ટે્રલિયાની વાત કરવામાં આવે તો તેણે ભારત વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ઉપરાંત શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ રમવાની છે. જો કાંગારુઆ તમામ ટેસ્ટ મેચ જીતી જાય છે તો તે મહત્તમ ૭૬.૩૨% પોઈન્ટ થઈ જશે જે ફાઈનલમાં પહોંચવા માટે કાફી રહેશે.
ઑસ્ટે્રલિયા કરતા ન્યુઝીલેન્ડની ફાઈનલમાં પહોંચવાની શક્યતા વધુ છે કેમ કે તેની પાસે ૭૮.૫૭% પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. કિવિ ટીમને શ્રીલંકા વિરુદ્ધ બે અને ભારત વિરુદ્ધ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પછી તે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડની યજમાની કરશે. આવામાં તેની પાસે વધુ પોઈન્ટ મેળવવાની તક રહેશે. અત્યારે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે.