વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાને પાંચ કરોડનું ઈનામ : BCCIએ કરી જાહેરાત: ૧૫ ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ વચ્ચે રકમ વહેંચાશે
વર્ષ-૨૦૨૩માં સાઉથ આફ્રિકામાં આયોજિત અન્ડર-૧૯ વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન બનનારી ભારતીય ટીમે બે વર્ષ બાદ પણ ટ્રોફી જાળવી રાખી હતી. મલેશિયાની રાજધાની કુઆલાલામ્પુરમાં રમાયેલા ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે આફ્રિકાને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. હવે ચેમ્પિયન ટીમને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ઈનામ મળ્યું છે.
બીસીસીઆઈએ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરતાં ઈનામની જાહેરાત કરી હતી. બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાને પાંચ કરોડનું ઈનામ આપવામાં આવશે. આ ઈનામ ટીમના તમામ ૧૫ ખેલાડીઓ, હેડ કોચ નૂશીન અલ ખદીર અને સપોર્ટિંગ સ્ટાફ વચ્ચે વહેંચી દેવાશે. નુશીનના કોચિંગ હેઠળ જ ભારતે ૨૦૨૩માં પણ આ ટૂર્નામેન્ટ જીતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નિકી પ્રસાદની આગેવાનીવાળી ટીમે ટૂર્નામેન્ટમાં સૌથી પહેલાં વિન્ડિઝને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી અને આ ટૂર્નામેન્ટનું સમાપન પણ જીત સાથે જ કર્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા એક ચેમ્પિયન ટીમની જેમ રમી હતી જેને હરાવવી કોઈ ટીમનું કામ ન્હોતું.