કોહલી વન-ડે અને ટી-૨૦માંથી લેશે સંન્યાસ ?
આફ્રિકા શ્રેણીમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી `બ્રેક’ લેવાના મેસેજે અટકળોને આપ્યું જોર
તૂટેલા દિલ સાથે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ-૨૦૨૩ના સમાપન બાદ એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે. અત્યારે ટીમ ઈન્ડિયા ઑસ્ટે્રલિયા સામે ટી-૨૦ શ્રેણી રમી રહી છે જેમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ શ્રેણી પૂર્ણ થયા બાદ ટીમ આફ્રિકાના પ્રવાસે જશે. આ બધાની વચ્ચે એવા અહેવાલો મળી રહ્યા છે કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે અને ટી-૨૦ શ્રેણીથી ખુદને બહાર રાખવાનો નિર્ણય લીધો છે. તેણે બીસીસીઆઈને મેસેજ મોકલ્યો છે જેમાં તેણે લખ્યું છે કે તે વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લેવા માંગે છે ! ભવિષ્યમાં પોતાની ઉપલબ્ધતા અંગે આગળ તે પોતે જ નિર્ણય લેશે.
સૂત્રોએ જણાવ્યું કે કોહલીએ આફ્રિકા વિરુદ્ધ ૧૦ ડિસેમ્બરથી શરૂ થનારી ટી-૨૦ અને વન-ડે શ્રેણીમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨ના સમાપન બાદથી કોહલીના ભવિષ્ય અને તેમાં ખાસ કરીને સૌથી નાના ફોર્મેટ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન કોહલીએ ફરી બ્રેક લીધો છે. ખાસ કરીને વન-ડે શ્રેણીમાંથી પણ તેનું બહાર થવું ચોંકાવનારું છે. જો કે ટેસ્ટ શ્રેણીમાં તે ભારત તરફથી રમશે.
આ બધા ઘટનાક્રમથી એવી અટકળો વહેતી થઈ રહી છે કે કોહલી વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી ચૂક્યો છે.
રોહિત આફ્રિકા સામે ટી-૨૦ અને વન-ડે રમશે કે નહીં ? હજુ ચોખવટ નહીં
બીજી બાજુ કેપ્ટન રોહિત શર્માએ પણ હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી કરી તે આફ્રિકા વિરુદ્ધ વન-ડે અને ટી-૨૦ શ્રેણીનો હિસ્સો બનવા માંગે છે કે નહીં. બીજી બાજુ બીસીસીઆઈ તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પ્રવાસ માટે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની પસંદગી થશે.