સ્કૂલમાં ખોટું બોલી મેચ જોવા ગયો, ગ્રાઉન્ડની સ્ક્રીન પરથી પકડાઈ ગયો !! નાના વિદ્યાર્થીનું મોટું કારસ્તાન, વાલીઓને નોટિસ
ફૂટબોલની રમતના ચાહકોને દુનિયાના સૌથી ઝનૂની ચાહકો તરીકે ગણવામાં આવે છે. પોતાની ટીમને રમતી જોવા માટે આ રમતના પ્રેમીઓ કોઈ પણ હદ સુધી ચાલ્યા ગયાના દાખલા છે. તાજેતરમાં જ ન્યૂ કાસલ યૂનાઈટેડના એક નાના બાળકે આ વાતને સાચી ઠેરવી છે. સ્કૂલમાં ખોટું બોલીને તે મેચ જોવા ગયો પરંતુ ગ્રાઉન્ડ પર મુકાયેલી સ્ક્રીનના કારણે તે પકડાઈ ગયો હતો !
જૉડી જોય નામનો એક વિદ્યાર્થી આર્સેનલ અને ન્યૂ કાસલ વચ્ચેની મેચ જોવા પહેંચ્યો હતો. જો કે તેણે સ્કૂલમાં એવું બહાનું આપ્યું કે તે જૉગ્રાફી ટ્રીપ પર જઈ રહ્યો છે. જોર્ડી ન્યૂ કાસલના સમર્થનમાં નોર્થ લંડન પહોંચ્યો હતો. તેનું આવવું ટીમ માટે લક્કી સાબિત થયું અને ન્યૂકાસલે કારાબાઓ કપના સેમિફાઈનલના પ્રથમ રાઉન્ડમાં આર્સેનલને ૨-૦થી હરાવ્યું હતું. આ વર્ષ ૨૦૧૦ બાદ ન્યૂ કાસલની આર્સેનલ પર પહેલી જીત છે.
જીત બાદ પ્રસારણકર્તાઓએ ઉજવણી કરી રહેલા ચાહકોના ચહેરા બતાવ્યા હતા જેમાં જોર્ડી જોય પણ જોવા મળ્યો હતો. સ્ક્રીન ઉપર તેનું નામ પણ બતાવાયું હતું. આ વીડિયો જોર્ડીની સ્કૂલમાં પણ વાયરલ થતાં ખુલાસો થયો કે તે ખોટું બોલીને મેચ જોવા પહોંચ્યો હતો. સ્કૂલ દ્વારા જોર્ડીના માતા-પિતાને નોટિસ પણ મોકલવામાં આવી હતી.