રાજકોટમાં ટેસ્ટ મેચ રમવી કે નહીં ? કોહલી સાથે વાત કરશે સિલેક્ટરો
બીજી ટેસ્ટ પૂર્ણ થયા બાદ બાકીની મેચો માટે થશે ટીમનું એલાન
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. જો કે આ મેચ પહેલાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે આ મેચમાં કોહલી રમશે ? જાણવા મળ્યા પ્રમાણે આ મેચમાં કોહલી રમે તેવી શક્યતા બહુ ઓછી છે. આ ઉપરાંત બાકીની બે ટેસ્ટમાં પણ તેની વાપસીને લઈને સ્થિતિ અસ્પષ્ટ છે. આ અંગે બીસીસીઆઈના ટોચના અધિકારીઓ અને પસંદગીકારો કોહલીની યોજનાઓ અંગે ટૂંક સમયમાં વાત કરશે.
કોહલી અત્યારે દેશથી બહાર છે એટલા માટે જ પસંદગી સમિતિના પ્રમુખ અજીત અગરકર અથવા બીસીસીઆઈના ટોચના અધિકારી વધુ સ્પષ્ટતા માટે કોહલી સાથે વાત કરશે જેથી ખુલાસો થઈ શકે કે તે ટીમમાં સામેલ થવાની સ્થિતિમાં છે કે નહીં ? કોહલીએ વ્યક્તિગત કારણોનો હવાલો આપીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટ રમી ન્હોતી.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે પરિવાર પહેલાં આવે છે એટલા માટે વિરાટ પણ પહેલાં પરિવારનું ધ્યાન રાખશે. જો તે રમવાની સ્થિતિમાં નહીં હોય તો તે રાજકોટ ટેસ્ટમાં નહીં રમે. કોહલીનું ટેસ્ટમાંથી બહાર થવાનું વ્યક્તિગત કારણ તેના બીજા બાળકના જન્મનો ઈન્તેજાર છે. આ અંગેનો ખુલાસો કોહલીના નજીકના મીત્રા એબી ડિવિલિયર્સે યુ-ટયુબ ચેનલ મારફતે કરી દીધો છે.
