રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યાની વાત ખોટી !
બુમરાહ, સૂર્યકુમાર યાદવ પણ ટીમ સાથે જ જોડાયેલા રહેશે: આ તમામને પૂછીને જ હાર્દિકને કેપ્ટન બનાવાયો છે: ફ્રેન્ચાઈઝીએ કરેલી સ્પષ્ટતા
આઈપીએલ-૨૦૨૪ની હરાજી પૂરી થઈ ગઈ છે જેમાં તમામ ટીમના માલિકોએ પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. હરાજી બાદ હવે સવાલ એ ઉઠવા લાગ્યો કે શું ટે્રડ વિન્ડો ખુલ્લા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટીમથી અલગ થઈ રહ્યો છે ? આ મામલે મુંબઈ ઈન્ડિયન્સના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને લઈને જે અહેવાલો ચાલી રહ્યા છે તે તદ્દન ખોટા છે. આ તમામ ખેલાડીઓ ક્યાંય જઈ રહ્યા નથી અને તેઓ મુંબઈ ટીમ સાથે જ જોડાયેલા રહેશે.
અધિકારીએ કહ્યું કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય કરતા પહેલાં તમામ ખેલાડીઓની સહમતિ લેવામાં આવી હતી જેમાં ખુદ રોહિત શર્મા પણ સામેલ હતો એટલા માટે તે ટીમ છોડી રહ્યાની વાત સાવ એટલે સાવ ખોટી છે. તમામ ખેલાડીએ સહમતિ આપ્યા બાદ જ હાર્દિક અંગેનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈએ ગુજરાત ટાઈટન્સ ટીમમાંથી હાર્દિક પંડ્યાને ટે્રડ કર્યો છે જે હવે મુંબઈની કેપ્ટનશિપ પણ કરશો. પંડ્યા જેવો ટે્રડ થયો કે અહેવાલો વહેતા થઈ ગયા હતા કે રોહિતની જગ્યાએ તે જ કેપ્ટન બનો અને ફ્રેન્ચાઈઝીએ આ અંગેની જાહેરાત પણ ઝડપથી કરી દીધી હતી જેના કારણે ચાહકો ભડકી ઉઠ્યા હતા.