પાકિસ્તાની ખેલાડીએ કોહલી વિશે કર્યો બફાટ, કહ્યું- બોલવાથી કંઈ થતું નથી
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 2 સપ્ટેમ્બરે ટકરાશે અને બધાની નજર આ મેચ પર છે. આ મેચ પહેલા બંને તરફથી મૌખિક એટેકનો તબક્કો ચાલી રહ્યો છે. ભારતના મુખ્ય પસંદગીકારે પાકિસ્તાનના ફાસ્ટ બોલરોને લઈને નિવેદન આપ્યું હતું, જેના પર શાદાબ ખાને વળતો જવાબ આપ્યો છે.
એશિયા કપ 2023ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાવાની છે. બધા આ મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં તમામની નજર શાહીન શાહ આફ્રિદી અને વિરાટ કોહલી પર રહેશે. આ મેચને પાકિસ્તાનના ઝડપી બોલિંગ આક્રમણ અને ટીમ ઈન્ડિયાના મજબૂત બેટિંગ આક્રમણ વચ્ચેની ટક્કર તરીકે જોવામાં આવી રહી છે.
શાદાબ ખાને કોહલી પર કરી ટિપ્પણી
એશિયા કપ ટીમની જાહેરાત કરતી વખતે BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને પણ આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના પર અગરકરે કહ્યું કે કોહલી પાકિસ્તાનના બોલરોનું ધ્યાન રાખશે. હવે પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબ ખાને આનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે બોલવાથી કંઈ થતું નથી.
પાકિસ્તાનનું મજબૂત બોલિંગ એટેક
પાકિસ્તાનના ઝડપી બોલિંગ આક્રમણમાં ડાબા હાથના શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફનો સમાવેશ થાય છે. આ બોલિંગ આક્રમણ પહેલા પણ ભારતને પરેશાન કરી ચૂક્યું છે. T20 વર્લ્ડ કપ 2021માં શાહીને ભારતના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. આ વખતે ફરી નજર શાહીન પર રહેશે પરંતુ નસીમ અને હરિસ પણ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે.
વાત કરવાથી કંઈ થતું નથી
હાલમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકામાં છે અને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. આ દરમિયાન શાદાબને પત્રકારોએ અજીત અગરકરના નિવેદન અંગે સવાલ કર્યો હતો, જેના પર આ લેગ સ્પિનરે હસીને કહ્યું કે તે ચોક્કસ દિવસ પર નિર્ભર છે, બોલવાથી કંઈ થતું નથી. શાદાબે કહ્યું કે જ્યારે મેચ થશે ત્યારે વસ્તુઓ જોવા મળશે અને વાસ્તવિતા એ જ છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ભારતની ટીમો ટકરાઈ હતી, જેમાં ન તો શાહીનનો જાદુ ચાલ્યો ન તો નસીમનો અને હરિસનો. વિરાટે આ ત્રણેય મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી.
પાક. બોલરોનો સામનો કરવા ટીમ ઈન્ડિયાની તૈયારી
જોકે ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોને હળવાશથી લઈ શકે નહીં. ટીમ જાણે છે કે પાકિસ્તાનની બોલિંગ ટોપ ક્લાસ છે અને તે ભારતીય ઇનિંગ્સને પતાવવાની શક્તિ ધરાવે છે. ટીમ ઈન્ડિયા હાલમાં બેંગલુરુના અલુરમાં પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લઈ રહી છે. આ કેમ્પમાં શનિવારે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ડાબા હાથના ફાસ્ટ બોલર અનિકેત ચૌધરી સામે બેટિંગ પ્રેક્ટિસ કરી હતી જેથી તે શાહીન સામે રમવાની તૈયારી કરી શકે.