ઇંગ્લેન્ડમાં જ યોજાશે આગામી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અત્યાર સુધીમાં બે ફાઈનલ મેચ રમાઈ ચૂકી છે. હવે તમામ ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે.
એક અહેવાલ મુજબ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 અને 2027ની ફાઈનલ મેચો ઈંગ્લેન્ડની ધરતી પર જ યોજાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે એડિશન થઈ ચૂકી છે અને હાલમાં ત્રીજી એડિશન રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 અને 2023ની બંને અંતિમ મેચો માત્ર ઈંગ્લેન્ડમાં જ યોજાઈ હતી. ભારતીય ટીમને પ્રથમ એડિશનમાં ન્યૂઝીલેન્ડ અને બીજી એડિશનમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા એકમાત્ર એવી ટીમ છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે ફાઈનલ રમી છે.
પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને છે. ટીમની જીતની ટકાવારી 61.11 છે. ભારતીય ટીમ બીજા સ્થાને છે, તેની જીતની ટકાવારી 54.16 છે. દક્ષિણ આફ્રિકા ત્રીજા, ન્યુઝીલેન્ડ ચોથા અને બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે. આ ત્રણેય ટીમોની જીતની ટકાવારી 50 છે.