૧૮ વર્ષના બોલર સામે ટીમ સૌરાષ્ટ્ર ઘૂંટણીયે ! ત્રિપૂરાએ રચ્યો ઈતિહાસ
પહેલીવાર સૌરાષ્ટ્ર સામે મેળવી જીત: જયદીપ દેવે ૬.૪ ઓવરમાં ૧૫ રન આપી ખેડવી પાંચ વિકેટ: ચેતેશ્વર સહિતના બેટરો ફેઈલ: ૨૫૯ રનના લક્ષ્યાંક સામે આખી ટીમ ૧૧૦ રન જ બનાવી શકી
વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સ્ટાર ખેલાડીઓથી ભરપૂર ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રને ત્રિપુરાએ ધમાકેદાર પ્રદર્શન કરીને ૧૪૮ રને રગદોળી નાખી હતી. સૌરાષ્ટ્ર વિરુદ્ધ કોઈ પણ ફોર્મેટમાં ત્રિપૂરાની આ પહેલી જીત છે. ૧૮ વર્ષના યુવા બોલર જયદીપ દેવ સામે સૌરાષ્ટ્રનો મજબૂત બેટિંગ ઓર્ડર પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઈ ગયો હતો. ૨૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા સૌરાષ્ટ્રની ટીમ માત્ર ૧૧૦ રન જ બનાવી શકી હતી.
૨૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. હાર્વિક દેસાઈ પાંચ રન બનાવીને આઉટ થયો હતો તો શેલ્ડન જેક્શન પણ માત્ર ૩ રન જ બનાવી શક્યો હતો. આ પછી ચિરાગ જાની ખાતું પણ ખોલાવી શક્યો ન્હોતો. ચેતેશ્વર પુજારાએ ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ ૨૪ રન બનાવીને આઉટ થયો હતો.
૫૩ રનના સ્કોરે સૌરાષ્ટ્રના પાંચ બેટરો પેવેલિયન પરત ફરી ગયા હતા. ત્યારબાદ ત્રિપુરાના ૧૮ વર્ષીય બોલર જયદીપ દેવે પોતાની કમાલ બતાવી ૬.૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપીને સૌરાષ્ટ્રના બાકી રહેલા પાંચેય બોલરને આઉટ કરી દીધા હતા. આ રીતે સૌરાષ્ટ્ર ઓલઆઉટ થઈ હતી અને ૧૪૮ રને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.