ટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારી શરૂ: ૩૦ ખેલાડીને અલગ તારવાયા
રોહિત-કોહલીએ રમવાની ઈચ્છા વ્યક્ત કરતાં પસંદગી સમિતિ મુંઝવણમાં
ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૨૪નું વર્ષ અત્યંત મહત્ત્વનું બની રહેવાનું છે. આ વર્ષે ભારતે ટી-૨૦ વર્લ્ડકપ રમવાનો છે. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા વર્ષોથી ચાલ્યા આવતા દુકાળને ખતમ કરવા માંગશે. ભારતે વર્ષ ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો. આ પછી તે ચેમ્પિયન બની શક્યું જ નથી. જૂનમાં ટી-૨૦ વર્લ્ડકપ અમેરિકા-વિન્ડિઝમાં રમાશે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સીનિયર પસંદગી સમિતિએ આ માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધી છે. સમિતિ ૩૦ ખેલાડીઓને અલગ તારવીને તેમના ઉપર નજર રાખી રહી છે.
આ વર્લ્ડકપ માટે ભારતીય પસંદગી કમિટીએ મથામણ પણ કરવી પડશે કેમ કે ટી-૨૦ વર્લ્ડકપ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી બન્ને તૈયાર છે. બન્ને ઈચ્છે છે આ બન્ને વર્લ્ડકપનો હિસ્સો બને. આ બન્નેએ પાછલા ટી-૨૦ વર્લ્ડકપ બાદ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી પરંતુ અહેવાલો પ્રમાણે આ બન્ને ટી-૨૦ વર્લ્ડકપ રમવા માટે એકદમ ઈચ્છુક છે.
પસંદગી સમિતિની નજર આઈપીએલ ઉપર પણ રહેવાની છે. જે ૩૦ ખેલાડીઓને પસંદ કરાયા છે તે તમામ આઈપીએલ રમવાના છે. આ ૩૦ ખેલાડીઓમાંથી જ ટી-૨૦ વર્લ્ડકપની ટીમ તૈયાર કરવામાં આવશે. આઈપીએલમાં ખેલાડીઓનું ફોર્મ તેમના ભવિષ્યનો નિર્ણય કરશે. જો ફોર્મ ખરાબ હશે તો ખેલાડી બહાર પણ થઈ જશે. આઈપીએલ ઉપરાંત પસંદગી સમિતિની નજર ૧૧ જાન્યુઆરીથી અફઘાન વિરુદ્ધ રમાનારી ટી-૨૦ શ્રેણી ઉપર પણ રહેશે.
એ જ ભૂલ ફરી ન થઈ જાય !
પસંદગી સમિતિ આઈપીએલના પ્રદર્શનના આધારે પહેલાં પણ ટી-૨૦ માટે ટીમની પસંદગી કરી રહી છે. વર્ષ ૨૦૨૧માં યુએઈમાં જે ટી-૨૦ વર્લ્ડકપ રમાયો હતો તેમાં અનેક ખેલાડીઓ માત્ર આઈપીએલના પ્રદર્શનના દમ પર ટીમમાં આવ્યા હતા જેમાંથી એક નામ વરુણ ચક્રવર્તી તો બીજું નામ લેગ સ્પિનર રાહુલ ચાહરનું હતું. આ બન્ને સદંતર નિષ્ફળ ગયા હતા. આ બન્ને વર્લ્ડકપમાં વિકેટ કાઢવા તેમજ રન બચાવી શક્યા ન્હોતા.