આજથી ટીમ ઈન્ડિયાની `આફ્રિકી પરીક્ષા’
૩૧ વર્ષથી ભારતીય ટીમ આફ્રિકાને તેના ઘરમાં ટેસ્ટ શ્રેણીમાં હરાવી શકી નથી: બપોરે ૧:૩૦ વાગ્યાથી સેન્ચુરિયન પાર્કમાં મુકાબલો શરૂ: સ્ટાર સ્પોર્ટસ પર મુકાબલાનું પ્રસારણ
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ આજથી બૉક્સિંગ-ડે ટેસ્ટ મેચ સાથે સેન્ચુરિયનમાં થવા જઈ રહ્યો છે. આ શ્રેણીને લઈને ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ ચરમસીમાએ છે. ત્રણ દશકાથી ઉપર થઈ ગયા છે પરંતુ ભારતીય ટીમ આફ્રિકાને તેના ઘરમાં એક પણ ટેસ્ટ શ્રેણી હરાવી શકી નથી તેથી આજથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં દરેક ભારતીયનું એક જ સ્વપ્ન હશે કે આ વખતે ટીમ ઈન્ડિયા શ્રેણી જીતીને જ ઘેર પરત ફરે. આ મેચનો પ્રારંભ બપોરે ૧:૩૦ વાગ્યાથી થશે.
ભારતે આફ્રિકામાં અત્યાર સુધી ૯ ટેસ્ટ શ્રેણી રમી છે જેમાંથી ૮માં તેનો પરાજય થયો છે તો એક શ્રેણી કે જે ડિસેમ્બર-૨૦૧૦માં રમાઈ હતી તે ડ્રો રહી હતી. ભારતીય ટીમ વિદેશમાં આ ૮૯મી ટેસ્ટ શ્રેણી રમશે. આ પહેલાં રમાયેલી ૮૮ ટેસ્ટ શ્રેણીમાં તેણે ૨૩ જીતી છે તો ૧૬ ડ્રો રહી છે. ભારતે વિદેશમાં અત્યાર સુધી ૨૮૬ ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ૫૯માં જીત તો ૧૨૦માં પરાજય મળ્યા છે અને ૧૦૭ ટેસ્ટ મેચ ડ્રો રહી છે.
આ વખતે ટેસ્ટ શ્રેણીમાં ભારતની કમાન રોહિત શર્મા સંભાળશે. કે.એલ.રાહુલ અને શ્રીકર ભરતને વિકેટકિપર તરીકે પસંદ કરાયા છે પરંતુ રાહુલને તક મળે તેવી શક્યતા વધુ છે. રાહુલ પહેલી વખત ટેસ્ટ ફોર્મેટમાં વિકેટકિપર-બેટર તરીકે મેદાને ઉતરશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોટર્સ નેટવર્કની વિવિધ ચેનલો ઉપર તો મોબાઈલ પર ડિઝ્ની+હોટસ્ટાર એપ્લીકેશન અને વેબસાઈટ પર જોઈ શકાશે.
જ્યાં આ મુકાબલો રમાવાનો છે તે સુપરસ્પોર્ટસ પાર્કમાં હંમેશા ફાસ્ટ બોલરનો દબદબો રહ્યો છે. અઅહીંની પીચ પહેલાં દિવસથી જ ફાસ્ટ બોલરોને અનુકૂળ રહે છે. જો કે આ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે કેમ કે ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અભિમન્યુ ઈશ્વરન, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કે.એલ.રાહુલ (વિકેટકિપર), શ્રીકર ભરત (વિકેટકિપર), શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સીરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.