અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
રોહિત શર્મા કેપ્ટન તરીકે T20 ફોર્મેટમાં પાછો ફર્યો : વિરાટનો પણ સમાવેશ
અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માને આ સિરીઝ માટે કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે વિરાટ કોહલીએ પણ ટી-20 ફોર્મેટમાં વાપસી કરી છે.
ઉલ્લેખનીય છે કે રોહિત અને કોહલી 14 મહિના બાદ ટી 20 રમશે. કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બીસીસીઆઈને જાણ કરી હતી કે તે બન્ને ખેલાડીઓ ટી 20માં રમવા તૈયાર છે.
અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને આરામ અપાયો છે. સિરાજ અને બુમરાહે કેપ ટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ફાસ્ટ બોલર હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે, આ બંને બોલરો ઈંગ્લેન્ડની શ્રેણી માટે સંપૂર્ણપણે ફ્રેશ રહે.
ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં યોજાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે બીજી ટી-20 મેચ 14 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. ત્યારે બેંગાલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટી-20 શ્રેણીની આખરી મેચની યજમાની કરશે.
ભારત અફઘાનિસ્તાન સીરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી-20 : 11 જાન્યુઆરી (મોહાલી)
બીજી ટી-20 – 14 જાન્યુઆરી (ઇન્દોર)
ત્રીજી ટી-20 – 17 જાન્યુઆરી – બેંગલુરુ
અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્સર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર.