પાકિસ્તાનની બેફામ ધોલાઈ કરતું આફ્રિકા : બીજી ટી-૨૦માં પણ રગદોળ્યું, મેચમાં બન્યા ૪૧૬ રન
સાઉથ આફ્રિકાએ બીજી ટી-૨૦માં પણ પાકિસ્તાનને ધોકાવ્યું હતું. આ સાથે જ ત્રણ મેચની શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી હતી. હવે ત્રીજી ટી-૨૦માં પાકિસ્તાન પરાજયથી બચવા માટે પ્રયાસ કરશે. આ મેચમાં બન્ને ટીમ વતી ૪૧૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં ૫ વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતા. ઓપનર સૈયમ અયૂબે ૫૭ બોલમાં ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ ૯૮ રન બનાવ્યા હતા. જ્યારે ઈરફાન ખાને ૧૬ બોલમાં ૩૦ રનની ઝડપી ઈનિંગ રમી હતી. બાબર આઝમે ૨૦ બોલમાં ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા વતી ડી ગલિએમ અને ઓર્ટનિકલ બાર્ટમૈને બે-બે વિકેટ ખેડવી હતી. આ મેચમાં કુલ ૨૫ છગ્ગા લાગ્યા હતા જેમાં પાક. બેટરોએ ૯ તો આફ્રિકાએ ૧૬ છગ્ગા લગાવ્યા હતા.
જવાબમાં આફ્રિકી ટીમની શરૂઆત સારી રહી ન્હોતી અને ૨૮ રને જ તેણે બે વિકેટ ગુમાવી હતી. જાો કે રીઝા હેન્ડ્રીક્સ અને વાન ડર ડુસને મળીને સ્કોરને ૨૮થી ૧૮૫ સુધી લઈ ગયા હતા. રીઝાએ ૬૩ બોલમાં ૧૧૭ રન ઝૂડ્યા હતા તો ડુસન ૩૮ બોલમાં ૬૬ રન બનાવી અણનમ રહ્યો હતો. કેપ્ટન હેનરિક ક્લાસેને પાંચ બોલમાં અણનમ ૮ રનની ઈનિંગ રમી હતી. એકંદરે આફ્રિકાએ ૩ બોલ બાકી રાખીને ૩ વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.