શમી અને અર્શદીપેને રાજકોટ ફળ્યુ : IPLમાં રૂપિયાનો વરસાદ
બંને ખેલાડીઓ હાલમાં રાજકોટમાં ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને પ્રેકટીસ વખતે જ મેસેજ મળ્યા કે કરોડો રૂપિયાની બોલી લાગી છે : સાથી ખેલાડીઓએ આપ્યા અભિનંદન
ટીમ ઇન્ડીયાનાં ફાસ્ટ બોલર મોહમંદ શમી અને અર્શદીપને રાજકોટ ફળ્યુ છે કારણ કે બંને માટે આઈ.પી.એલમાં કરોડોની બોલી લાગી હતી. હાલમાં આ બંને ખેલાડીઓ રાજકોટમાં છે અને આ સમાચાર મળતા જ એક બીજાને અભિનંદન આપ્યા હતા અને સાથી ખેલાડીઓએ પણ અભિનંદન આપ્યા હતા.
આઈ.પી.એલ ટુર્નામેન્ટની આગામી સીઝન માટે રવિવારે ખેલાડીઓની હરાજી થઇ હતી અને તેમા જુદી જુદી ફેન્ચાઈસીએ કરોડો રૂપિયાનો બોલી લગાવીને પોતાની ટીમ માટે સારા સારા ખેલાડીઓને કરારબધ્ધ કરી લીધા છે. આ ખેલાડીઓમાં ટીમ ઇન્ડીયાનાં બે સ્ટાર બોલર મોહમંદ શમી અને અર્શદીપ માટે અનુક્રમે ૧૦ કરોડ અને ૧૮.૭૫ કરોડની બોલી લાગી હતી. આ બંને ખેલાડીઓની બોલી લાગી ત્યારે બંને ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા.
શમી અને અર્શદીપ રાજકોટમાં સૈયદ મુશ્તાકઅલી ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને રવિવારે ઓફ ડે હતો. બપોર સુધી બંને હોટેલમાં જ હતા પરંતુ બપોર પછી પ્રેક્ટીસ માટે ખંઢેરી સ્ટેડિયમ ગયા હતા. આ પ્રેક્ટીસ દરમિયાન જ મેસેજ મળ્યા કે મોહમંદ શમીને હૈદરાબાદ સનરાઝરે ૧૦ કરોડ આપીને ખરીદી લીધો છે જયારે અર્શદીપને પંજાબ કિંગ્સે ૧૮.૭૫ કરોડમાં ખરીદી લીધો છે.
આ સમાચાર મળતા જ બંનેએ ખુશી વ્યક્ત કરી હતી અને એકબીજાને અભિનંદન આપ્યા હતા.