ટીમ ઈન્ડિયાના જીતના જશ્ન દરમિયાન ઘણા ક્રિકેટ ચાહકોની તબિયત બગડી, 10ને હોસ્પિટલ ખસેડાયા
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવા માટે મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખો ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા. આ જીતનો જશ્ન કેટલાક ચાહકો માટે મુશ્કેલી લઈને આવ્યો હતો.. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ ટીમને જોવા અને ખેલાડીઓને આવકારવા માટે મરીન ડ્રાઈવ પર એકઠા થયા હતા ત્યારે ક્રિકેટ ચાહકોની ભીડમાં ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક ક્રિકેટ ચાહકો ઘાયલ થયા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

ઓછામાં ઓછા 10 લોકોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે જે ચાહકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, તેમાં ઘણાને ફ્રેક્ચર થયું હતું અને અન્યને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું કે નજીકની સરકારી હોસ્પિટલ (જીટી હોસ્પિટલ)માં સારવાર માટે લઈ જવામાં આવેલા 10 લોકોમાંથી 8 લોકોને થોડા સમય પછી રજા આપવામાં આવી હતી. બે લોકોને સારવાર માટે દાખલ કરાયા હતા.

મરીન ડ્રાઈવ પર ત્રણ કિલોમીટરના પટમાં કોઈ જમીન દેખાતી ન હતી. એટલા વધુ ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા ત્યારે માત્ર વાદળી સમુદ્ર જ દેખાતો હતો, કારણ કે દરેક વ્યક્તિએ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરી હતી. વિજય પરેડ બાદ ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે હજારો ચાહકોએ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં ક્રિકેટ ચાહકોની એન્ટ્રી ફ્રી કરી હતી.

મુંબઈ પોલીસ કમિશનરે ગુરુવારે મરીન ડ્રાઈવ પર ભીડ વ્યવસ્થાપન માટે પોલીસ અધિકારીઓની પ્રશંસા કરી હતી. કમિશનરે મુંબઈના લોકોનો પણ તેમના સમર્થન માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મુંબઈ પોલીસે ખાતરી કરી કે તે ટીમ તેમજ તેમના ચાહકો માટે ખાસ ક્ષણ બની રહે. ભીડમાં ઘણા બાળકો તેમના માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા, પરંતુ મુંબઈ પોલીસની તત્પરતાના કારણે તેઓ તેમના માતા-પિતા સાથે ફરી મળ્યા હતા.

મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે દુર્ઘટનાને ટાળવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમણે ભીડને ખૂબ જ અસરકારક રીતે સંચાલિત કરી હતી. ચર્ચગેટ સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે 400 થી વધુ RPF અને GRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. લગભગ 7.45 વાગ્યે મરીન ડ્રાઇવના દક્ષિણ છેડે NCPA નજીક વિજય પરેડ શરૂ થઈ. અહીંથી ટીમ ઈન્ડિયાની બસ સેંકડો પોલીસ કર્મચારીઓની સુરક્ષા હેઠળ વાનખેડે સ્ટેડિયમ પહોંચી.

T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમનો વિજયી જશ્ન ચોથી જુલાઈએ લગભગ 16 કલાક સુધી ચાલ્યો હતો. ગુરૂવારે સવારે 6.10 વાગ્યે બાર્બાડોસથી દિલ્હી પહોંચેલી ભારતીય ટીમ પહેલા વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને પછી મુંબઈમાં વર્લ્ડકપ જીતવાની ઉજવણી કરી હતી. જ્યારે મરીન ડ્રાઈવ ખાતે વિજયી પરેડ યોજાઈ ત્યારે વાનખેડે ખાતે ખેલાડીઓને 125 કરોડ રૂપિયાના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે રોહિત શર્મા તેના ઘરે પહોંચ્યો ત્યારે તિલક વર્મા સહિતના મિત્રો તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.