રોહિત શર્મા-રવિન્દ્ર જાડેજાની સદી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે
પહેલાં દિવસે ભારતે પાંચ વિકેટે બનાવ્યા ૩૨૬ રન: જાડેજા ક્રિઝ પર અડીખમ
૨૧૮ દિવસ, ૧૦ ઈનિંગ બાદ રોહિત શર્માએ બનાવી સેન્ચુરી, જાડેજાની રાજકોટમાં સળંગ બીજી સદી: બન્ને વચ્ચે ૨૦૪ રનની ભાગીદારી
સરફરાઝ ખાને `બાઝબોલ’ સ્ટાઈલથી ઝૂડી નાખ્યા ૬૨ રન; તેને રનઆઉટ કરાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ સદીની ઉજવણી ન કરી!
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટોસ જીતી પ્રથમ દાવ લેનારી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહ્યા બાદ કેપ્ટન રોહિત અને ઘણા લાંબા સમય બાદ ઉપલાક્રમે બેટિંગ કરવા આવેલા `લોકલબોય’ રવીન્દ્ર જાડેજાએ બાજી સંભાળી લઈ ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. આ બન્ને ધુરંધરોએ શાનદાર સદી બનાવતા ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટે ૩૨૬ રન બનાવી લીધા છે જ્યારે રવીન્દ્ર જાડેજા ૧૧૦ રન બનાવી ક્રિઝ પર હજુ અડીખમ છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ ૨૧૮ દિવસ અને ૧૦ ઈનિંગ બાદ સદી બનાવી ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. રોહિતે કરિયરની ૧૧મી સદી પૂર્ણ કરી છે. તેની છેલ્લી ટેસ્ટ સદી ૨૦૨૩માં વિન્ડિઝ વિરુદ્ધ બની હતી. રાજકોટ ટેસ્ટમાં તેણે ૧૯૬ દડામાં ૧૪ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૩૧ રન બનાવ્યા હતા.
ભારતે ઈંગ્લેન્ડની તર્જ પર બાઝબોલ સ્ટાઈલમાં શરૂઆત કરી હતી પરંતુ એક પછી એક ત્રણ વિકેટ પડી હતી. પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો જે ૧૦ રને માર્ક વૂડની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. આ પછી શુભમન ગીલ પણ ૦ રને આઉટ થયો હતો. ગીલ બાદ રજત પાટીદાર પણ પાંચ રન બનાવીને આઉટ થઈ જતાં ભારતની ૩ વિકેટ ૩૩ રને પડી ગઈ હતી. આ પછી રોહિત-જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે ૨૦૪ રનની ભાગીદારી થઈ હતી. એકંદરે આ બન્નેએ મળીને ટીમના સ્કોરને ૨૩૭ રન સુધી પહોંચાડ્યો હતો.
રોહિતના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા ડેબ્યુટન્ટ સરફરાઝ ખાને શરૂઆતથી જ સટાસટી બોલાવી દેતાં સ્ટેડિયમ પર હાજર દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. સરફરાઝે ૬૬ દડામાં ૯ ચોગ્ગા, ૧ છગ્ગાની મદદથી ૬૨ રન બનાવ્યા હતા. જો કે તે રનઆઉટ થઈ જતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો. તેના રનઆઉટ થયા બાદ જાડેજાએ સદી પૂર્ણ કરી હતી પરંતુ તેની ઉજવણી કરી ન્હોતી.
છગ્ગા ફટકારવા મામલે ધોનીને પાછળ છોડતો રોહિત
રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટમાં ૩ છગ્ગા ફટકારીને ધોની-કપિલ દેવ સહિતનાને પાછળ છોડી દીધા છે. તેણે અત્યાર સુધીમાં ટેસ્ટ ફોર્મેટમાં ૮૦ છગ્ગા પૂરા કર્યા છે. આ યાદીમાં ૯૦ છગ્ગા સાથે વીરેન્દ્ર સેહવાગ પ્રથમ ક્રમે છે
ભારત માટે સૌથી વધુ છગ્ગા
છગ્ગા બેટર
૯૦ વીરેન્દ્ર સેહવાગ
૮૦ રોહિત શર્મા
૭૮ ધોની
૬૯ સચિન તેંડુલકર
૬૧ રવીન્દ્ર જાડેજા
૬૧ કપિલ દેવ
સદી મામલે રોહિતે વિજય મરચન્ટ-રાહુલની કરી બરાબરી સદી ખેલાડી
૪ સુનિલ ગાવસ્કર
૩ વિજય મરચન્ટ
૩ મુરલી વિજય
૩ કે.એલ.રાહુલ
૩ રોહિત શર્મા
રોહિતે પૂરી કરી ૪૭ સદી
રોહિતે આંતરરાષ્ટ્રીય કિરયરની ૪૭મી સદી પૂર્ણ કરી છે. ટેસ્ટમાં તેણે ૧૧ સદી બનાવી છે તો વન-ડેમાં તેની ૩૧ સદી છે. આવી જ રીતે તેણે ટી-૨૦માં પાંચ સદી બનાવી છે.
પહેલા દિવસે લાગ્યા ૩૫ ચોગ્ગા, ૬ છગ્ગા: રુટ સૌથી મોંઘો બોલર
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટના પહેલાં દિવસે કુલ ૩૫ ચોગ્ગા લાગ્યા હતા જેમાં ૧૪ રોહિતે, ૯-૯ રવીન્દ્ર-સરફરાઝે અને ૧ ચોગ્ગો રજત પાટીદારે લગાવ્યો હતો તો ૨ ચોગ્ગા જયસ્વાલના બેટમાંથી નીકળ્યા હતા. આવી જ રીતે રોહિતે ૩ છગ્ગા, રવીન્દ્રએ ૨ અને સરફરાઝે ૧ છગ્ગો લગાવ્યો હતો. ઈંગ્લેન્ડ વતી સૌથી મોંઘો બોલર જો રુટ રહ્યો હતો જેણે ૫.૨ની સરેરાાથી ૧૩ ઓવરમાં ૬૮ રન આપ્યા હતા.