જય શાહના ICC ચેરમેન બન્યા બાદ રોહન જેટલી બનશે BCCIના `બોસ’
ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીના પુત્ર રોહનહાલ દિલ્હી ક્રિકેટ એસો.ના પ્રમુખ તરીકે સંભાળે છે જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના પ્રમુખ બનવાના છે એટલા માટે હવે તેમની ખાલી પડનારી જગ્યા કોણ સંભાળશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. અહેવાલ પ્રમાણે દિલ્હી ક્રિકેટ એસો.ના પ્રમુખ અને ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીને બીસીસીઆઈની જવાબદારી સોંપાઈ શકે છે.
બીસીસીઆઈ સેક્રેટરી તરીકે અનેક યાદગાર નિર્ણય લેનારા જય શાહ આઈસીસી પ્રમુખની જવાબદારી સંભાળવાના છે. આઈસીસીના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ ૩૦ નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. ત્રીજા કાર્યકાળની દોડમાંથી તેમણે પોતાને અલગ કરી લીધા છે.
બીસીસીઆઈ સચિવ તરીકે જય શાહનો કાર્યકાળ સપ્ટેમ્બર-૨૦૨૫માં પૂર્ણ થવાનો છે. જો કે આઈસીસી ચેરમેન બન્યા બાદ તેમણે બીસીસીઆઈ સેક્રેટરી તરીકે રાજીનામું આપવું પડશે. જય શાહના આઈસીસી ચેરમેન તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ બીસીસીઆઈ સચિવ પદ માટે રોહન જેટલીનું નામ આગળ કરી શકે છે.