રાહુલની રણજીમાં ટી-૨૦ જેવી સટાસટી !
૧૪૭ દડામાં બનાવી ડબલ સેન્ચુરી
રણજી ટ્રોફીનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં ૩૮ ટીમો ટકરાઈ રહી છે. દરમિયાન પ્લેટ ગ્રુપમાં હૈદરાબાદ-નગાલેન્ડ વચ્ચેની મેચમાં હૈદરાબાદ વતી રાહુલસિંહ ગેહલોતે ૧૪૭ દડામાં ડબલ સેન્ચુરી બનાવી હતી. આ દરમિયાન તેણે ૨૩ ચોગ્ગા અને ૮ છગ્ગા લગાવ્યા હતા. આ સાથે જ રાહુલે રણજી ટ્રોફીની આ વખતની સીઝનમાં પહેલી સદી અને બેવડી સદી નોંધાવી છે.
રાહુલ ગેહલોતે ૧૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૮૪ દડામાં પોતાની સદી તેમજ ૮ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૪૦ દડામાં પોતાની ફિફટી પૂર્ણ કરી હતી.
જ્યારે એલિટ ગ્રુપ `બી’માં બિહાર વિરુદ્ધ મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. મુંબઈએ ૧૫૦ રનમાં જ ૬ વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈની હાલત ખરાબ કરવામાં બિહારના વીર પ્રતાપ સિંહ અને સકીબુલ ગનીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.