રાહુલ દ્રવિડ જ રહેશે ટીમ ઈન્ડિયાના કોચ
ટી-૨૦ વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરી દેવાઈ: કોચ ઉપરાંત સપોર્ટિંગ સ્ટાફનો કાર્યકાળ પણ વધારતું બીસીસીઆઈ
રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ તરીકે જાળવી રાખવાનો નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. વર્લ્ડકપ-૨૦૨૩ પૂર્ણ થતાં જ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો પરંતુ કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મેનેજમેન્ટને રાહુલ દ્રવિડ અને તેમના સ્ટાફને વધુ એક કાર્યકાળ આપવાની તરફેણ કરી હતી. આ સાથે જ હવે દ્રવિડ મીશન ટી-૨૦ વર્લ્ડકપની તૈયારીમાં લાગી જશે જે આવતાં વર્ષે વિન્ડિઝ અને યુએસએની યજમાનીમાં રમાવાનો છે.
કોચના રૂપમાં મોરચો સંભાળતાં જ રાહુલ દ્રવિડે પોતાના નિવેદનમાં પાછલા કાર્યકાળ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયા સાથે પાછલા બે વર્ષ સંપૂર્ણ રીતે યાદગાર રહ્યા છે. અમે ઘણા બધા ઉતાર-ચડાવ જોયા છે અને આ સમગ્ર યાત્રા દરમિયાન ટીમ તરફથી મળેલું સમર્થન અને સૌહાર્દ અભૂતપૂર્વ રહ્યું છે. અમે જે સંસ્કૃતિ સ્થાપિત કરી છે તેના ઉપર મને વાસ્તવમાં ગર્વ છે.
ભારતના સૌથી મહાન ખેલાડીઓ પૈકીના એક દ્રવિડે ટીમ ઈન્ડિયાના વખાણ કરતા કહ્યું કે અમારી ટીમ પાસે જે કૌશલ અને પ્રતિભા છે તે અભૂતપૂર્વ છે. અમે જે વસ્તુ પર જોર આપ્યું છે તે પ્રક્રિયા સફળ નિવડી છે.