સૌરાષ્ટ્રના હાર્વિક દેસાઈની દમદાર બેટિંગ: ૫૫ દડામાં ઝૂડ્યા ૧૦૪ રન
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મણીપુર સામે સૌરાષ્ટ્રની ૮૫ રને જીત: વિશ્વરાજ જાડેજાએ ૨૯ દડામાં ઝૂડ્યા ૬૯ રન
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ `સી’માં સૌરાષ્ટ્ર ટીમે મણિપુરને ૮૫ રને પરાજય આપ્યો છે. ટીમની આ જીતમાં વિકેટકિપર-બેટર હાર્વિક દેસાઈની મહત્ત્વની ભૂમિકા રહી છે જેણે ટીમ માટે અણનમ ૧૦૪ રનની ઈનિંગ રમી અને તેની આ ઈનિંગના દમ પર સૌરાષ્ટે્ર ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૪૦ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. મણિપુરને આ જીત માટે ૨૪૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ તે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૫ રન જ બનાવી શકી હતી.
મેચમાં મણિપુરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે ખોટો સાબિત થયો હતો. સૌરાષ્ટ્ર વતી ઈનિંગની શરૂઆત તરંગ ગોહેલ અને હાર્વિક દેસાઈએ કરી હતી પરંતુત રંગ ૧૩ રન બનાવીને આઉટ થયો હતો. આ વેળાએ ટીમનો સ્કોર ૨૨ રન હતો. ત્યારબાદ ટીમની બીજી વિકેટે ૬૪ રને સમર્થ વ્યાસ (૨૮ રન)ના રૂપમાં મળી હતી. ત્રીજી વિકેટે શેલ્ડન જેક્શન (૧૧ રન)ની પડી હતી. આ પછી હાર્વિકે વિશ્વરાજ જાડેજા સાથે મળીને ચોથી વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. વિશ્વરાજ જાડેજાએ ૨૯ બોલમાં ૪ છગ્ગા અને ૮ ચોગ્ગાની મદદથી ૬૯ રન બનાવ્યા હતા. જ્યારે હાર્વિક દેસાઈએ ૫૫ દડામાં ૬ છગ્ગા અને ૧૦ ચોગ્ગાની મદદથી અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા.