World Cup 2023: પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને હિંમત આપી
વિશ્વકપ 2023ની ફાઈનલમાં ભારતને હાર મળી. આ હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓ નિરાશ હતા. ઘણા ખેલાડીઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યાં હતા. આ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેલાડીઓને મળવા અને તેનો જુસ્સો વધારવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા.
વિશ્વકપ 2023ના ફાઈનલમાં મળેલી હાર ભારતીય ટીમના ખેલાડીઓ અને ફેન્સ માટે કોઈ આઘાતથી ઓછી નથી. 43મી ઓવરના છેલ્લા બોલ પર ગ્લેન મેક્સવેલે બે રન લેતા કરોડો ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા તુરંત ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયો. મોહમ્મદ સિરાજ મેદાન પર રડવા લાગ્યો હતો. આ મેચ જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા. પીએમ મોદીના નામ પર સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.
અમદાવાદમાં વિશ્વકપ 2023નો ફાઈનલ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ ખેલાડીઓ પાસે પહોંચીને તેની નિરાશામાં સામેલ થયા અને તેને પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર જાડેજાએ પીએમ સાથે ફોટો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું- અમારી ટૂર્નામેન્ટ ખુબ સારી હતી પરંતુ કાલે અમે હારી ગયા. અમે બધા દુખી હતા પરંતુ અમારા લોકોના સપોર્ટથી આગળ વધી રહ્યાં હતા. પીએમ મોદીનું કાલે ડ્રેસિંગ રૂમમાં આવવું વિશેષ અને વધુ પ્રેરણાદાયક હતું.