પાકિસ્તાની ટીમ નબળી ગણાતી ઝીમ્બાબ્વે સામે બળુકી સાબિત
બુલાવાયોમાં પાકિસ્તાને ટી૨૦ મેચમાં મેળવી જીત : બન્ને ટીમો ભેગી થઈને 20 ઓવર પણ ન રમી શકી
પાકિસ્તાનની ટીમે ઝિમ્બાબ્વે સામે બુલાવાયોમાં રમાયેલી બીજી ટી20 મેચ જીતી લીધી છે. આ સાથે પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચોની ટી20 સીરિઝ પણ જીતી લીધી છે. પાકિસ્તાને આ પહેલા ઝિમ્બાબ્વે સામે વનડે સીરિઝ પણ જીતી લીધી છે. પાકિસ્તાનની ટીમને મોટી ટીમો સામે ફાંફા પડી રહ્યા છે ત્યારે ઝિમ્બાબ્વે જેવી નાની ટીમને આસાનીથી હરાવી રહી છે. વનડે સીરિઝની શરુઆતમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ પછી બે વનડે અને બે ટી20માં પાકિસ્તાને જીત હાંસલ કરી લીધી છે. જેમાં બીજી ટી20 મેચમાં તો પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે બન્ને ટીમો ભેગી થઈને પણ 20 ઓવર રમી શકી નથી.
પાકિસ્તાન તરફથી સૂફિયાન મુકીમની ધારદાર બોલિંગ સામે ઝિમ્બાબ્વેની ટીમ ધરાશાયી થઈ હતી, સૂફિયાને આ મેચમાં 5 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. જેમાં ઓપનિંગ જોડી સિવાય કોઈ ખેલાડી ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યો નહોતો. બ્રિયાન બેનેટ (21) અને મારુમાની (16) વચ્ચે સૌથી મોટી 37 રનની પાર્ટનરશીપ બની હતી. જોકે, આ બન્ને ખેલાડીઓ ઉપરા-છાપરી આઉટ થયા બાદ ટીમનો ધબડકો વળી ગયો હતો.
જાહેરાત
ઝિમ્બાબ્વેની ટીમ 12.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને જેમાં ટીમે પાકિસ્તાન સામે 58 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ઝિમ્બાબ્વેના 7 ખેલાડીઓ એવા છે કે જેઓ અંગત સ્કોરને 3 રનની પાર પણ પહોંચાડી શક્યા નહોતા. આ પછી પાકિસ્તાને વિના વિકેટ ગુમાવે આ મેચ જીતી લીઘી હતી.
પાકિસ્તાને 58 રનના ટાર્ગેટ સામે બેટિંગ શરુ કરી અને માત્ર 5.3 ઓવરના અંતમાં મેચ જીતી લીધી હતી. જેમાં ઓમિર યુસૂફ (22) અને સઈમ આયૂબ (36) વચ્ચે 61 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ સાથે જ પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. (AP)
પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે વનડે સીરિઝ 1-2થી જીતી લીધા બાદ હવે ટી20 સીરિઝ પણ 0-2થી જીતી લીધી છે, હવે અંતિમ અને ત્રીજી ટી20 ઔપચારિક બની રહેશે. જે 5 ડિસેમ્બરે આજ મેદાન પર રમાવાની છે.