પાકિસ્તાને `ચીટર’ને બનાવ્યો બોલિંગ કોચ !
બોલિંગ એક્શનને લઈને જ કરિયર પૂર્ણ થયા બાદ હવે ટીમમાં બોલરો તૈયાર કરશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ પૂર્વ ખેલાડીઓ ઉમર ગુલ અને બોલિંગ એક્શનને લઈને પ્રતિબંધિત થયેલા સઈદ અઝમલને પુરુષોની રાષ્ટ્રીય ટીમના ફાસ્ટ અને સ્પીન બોલિંગના કોચ બનાવ્યા છે. પીસીબીએ કહ્યું કે બન્ને કોચ ઑસ્ટે્રલિયા વિરુદ્ધ ૧૪ ડિસેમ્બર-૨૦૨૩થી ૭ જાન્યુઆરી-૨૦૨૪ સુધી રમાનારી ટેસ્ટ શ્રેણી અને ૧૨થી ૨૧ જાન્યુઆરી-૨૦૨૪ સુધી ન્યુઝીલેન્ડ સામે રમાનારી ટી-૨૦ શ્રેણી માટે કામ કરશે.
વર્લ્ડકપમાં હાર બાદ પાકિસ્તાન ટીમનું આખું મેનેજમેન્ટ વિખેરી નાખવામાં આવ્યું છે. મોહમ્મદ હફીઝને ટીમ ડાયરેક્ટર તો વહાબ રિયાઝને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે. શાન મસૂદને ટેસ્ટ તો શાહિન આફ્રિદીને ટી-૨૦ ટીમનો કેપ્ટન બનાવાયો છે.
ભૂતકાળમાં વિશ્વના નંબર વન વન-ડે બોલર અજમલે ૩૫ ટેસ્ટ, ૧૧૩ વન-ડે અને ૬૪ ટી-૨૦માં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે.
તેના નામે ત્રણેય ફોર્મેટની ૪૪૭ વિકેટ છે. ઉલ્લેખનીય છે કે વિવાદિત બોલિંગ એક્શનને કારણે અજમલનું કરિયર પૂર્ણ થયું હતું. છેલ્લે એશિયા કપમાં તેણે સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. તે સચિનને લઈને વારંવાર વિવાદિત નિવેદન આપ્યે રાછે અને આજે પણ પોતાની જ પીઠ થાબડતો રહે છે.