ઈંગ્લેન્ડ માટે શરમનો પાર નથી…!
અફઘાન સામે હાર્યા બાદ અત્યાર સુધીના વર્લ્ડકપમાં ૧૧ ટીમો સામે પરાજય મેળવનારી ઈંગ્લેન્ડ વિશ્વની પહેલી ટીમ
વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. અફઘાનિસ્તાન સામે ૬૯ રને હાર્યા બાદ તેની મુશ્કેલી વધી શકે છે. ઈંગ્લેન્ડે વર્લ્ડકપમાં ત્રણ મેચ રમી છે જેમાં બે મેચમાં તેનો પરાજય થયો છે. વર્લ્ડકપના ઈતિહાસની વાત કરીએ તો ઈંગ્લેન્ડને ૧૧મી ટીમ વિરુદ્ધ પરાજય મળ્યો છે. આ વર્લ્ડકપમાં ઉતારનારી આઈસીસીના ટૉપ-૮ ફુલ મેમ્બરમાંથી કોઈ એક ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
આ પહેલાં ૨૦૧૧માં ઈંગ્લેન્ડને આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સામે જ્યારે ૨૦૧૫માં પણ બાંગ્લાદેશ સામે પરાજય મળ્યો હતો. બન્ને વખતે ઈંગ્લીશ ટીમ સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકી ન્હોતી. ૨૦૧૯નો વન-ડે વર્લ્ડકપ જીત્યા બાદ ઈંગ્લેન્ડે ૨૦૨૦માં ટી-૨૦ વર્લ્ડકપનું પણ ટાઈટલ જીત્યું હતું પરંતુ હાલનું ફોર્મ જોતાં તેની આગળની સફર કપરી દેખાઈ રહી છે.
ઈંગ્લેન્ડને વન-ડે વર્લ્ડકપમાં ૧૧ ટીમ વિરુદ્ધ હાર મળી છે જ્યારે ઑસ્ટે્રલિયા-ન્યુઝીલેન્ડે તેને સૌથી વધુ છ-છ વખત હરાવ્યું છે. પાકિસ્તાન-શ્રીલંકાએ પાંચ-પાંચ વખત, ભારત-આફ્રિકાએ ત્રણ-ત્રણ વખત, બાંગ્લાદેશે બે વખત જ્યારે આયર્લેન્ડ, ઝીમ્બાબ્વે, વિન્ડિઝે વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને એક-એક વખત હરાવ્યું છે. વિન્ડિઝને વર્લ્ડકપમાં ૧૦ ટીમ સામે, આફ્રિકાને ૯ ટીમ સામે, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાને ૮-૮ ટીમ સામે હાર મળી છે. જ્યારે ન્યુઝીલેન્ડે ૭ ટીમો સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.
