નીતિશ-સુંદરે ઓસ્ટ્રેલિયન બોલરોની ‘હવા’ કાઢી નાખી !!
બન્નેએ ૨૮૫ બોલ સુધી બેટિંગ કરી બનાવ્યો અદ્ભુત રેકોર્ડ
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બૉક્સિંગ-ડે ટેસ્ટમાં આઠમા અને નવમા ક્રમે ઉતરેલા નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે બેટિંગમાં કમાલ કરી હતી. બન્નેએ ૧૨૭ રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાં ઉગારવાની સાથે સાથે એક એવો રેકોર્ડ પણ બનાવ્યો જે ૧૪૭ વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય બન્યો નથી. નીતિશ કુમાર રેડ્ડી ૧૦૫ રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે સુંદરે ટીમ ઈન્ડિયા માટે ૫૦ રનની ઈનિંગ રમી હતી.

નીતિશ રેડ્ડી પોતાની સદીની ઈનિંગમાં અત્યાર સુધી ૧૭૬ બોલ રમી ચૂક્યો છે. જ્યારે સુદંર ૧૬૨ બોલ સુધી ક્રિઝ પર અડીખમ રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત એવું બન્યું છે જ્યારે આઠમા અને નવમા ક્રમના બેટરે ૧૫૦ અથવા તેનાથી વધુ બોલ રમ્યા હોય. આ બન્નેએ સંયુક્ત રીતે ૨૮૫ બોલ રમ્યા હતા મતલબ કે ૪૮ ઓવર સુધી બેટિંગ કર્યું હતું.