નીરજ ચોપડાએ ૮૯.૪૫ મીટર દૂર ભાલો ફેંકી પેરિસ ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ તોડ્યો
- લુસાને ડાયમંડ લીગમાં રહ્યો બીજા ક્રમે
પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪ બાદ ભારતના સ્ટાર જૈવલિન થ્રો (ભાલા ફેંક) ખેલાડી નીરજ ચોપડા ફરી એક્શનમાં આવી ગયો છે. તેણે લુસાને ડાયમંડ લીગ-૨૦૨૪માં આ સીઝનનો શ્રેષ્ઠ થ્રો કર્યો અને બીજો નંબર મેળવ્યો હતો. નીરજે પેરિસ ઓલિમ્પિકમાં ૮૯.૪૫ મીટર દૂર ભાલો ફેંકી સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે નીરજનો એ સીઝનનો શ્રેષ્ઠ થ્રો હતો પરંતુ હવે તેણે લુસાને ડાયમંડ લીગમાં ૮૯.૪૯ મીટર દૂર ભાલો ફેંકી સીઝનનો નવો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. નીરજનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો ૮૯.૯૪ મીટર છે મતલબ કે આનાથી આગળ તે કરિયરમાં આગળ ભાલું ફેંકી શક્યો નથી.
નીરજે પોતાનો શ્રેષ્ઠ થ્રો સૌથી અંતિમ મતલબ કે છઠ્ઠા પ્રયાસે કર્યો હતો જેમાં તેણે ૮૯.૪૯ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ રીતે તે પોતાનો વ્યક્તિગત રેકોર્ડ તોડવા અને ૯૦ મીટર દૂર ભાલો ફેંકવાથી ચૂક્યો હતો. આ અંગેનું દુ:ખ તેના ચહેરા ઉપર જોવા પણ મળ્યું હતું. આ દરમિયાન પોતાના અંતિમ પ્રયાસમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ૯૦.૬૧ મીટરનો થ્રો કરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિક દરમિયાન નીરજે કહ્યું હતું કે તે બેલ્જિયમના બ્રુસેલ્સમાં રમાનારી ડાયમંડ લીગનો ફાઈનલ રમવા માંગે છે. આ માટે તેણે ડાયમંડ લીગના ચાર લેગ મુકાબલામાં દમદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં ટોપ-૬ની અંદર જગ્યા બનાવવી પડશે.