મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો: ત્રણ મેચમાં બુમરાહ ‘આઉટ’, એપ્રિલના પ્રથમ સપ્તાહથી ટીમ સાથે જોડાઈ શકે
જસપ્રીત બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ વતી અમુક મેચમાં ન રમે તેવી શક્યતા છે કેમ કે હજુ પણ તે પીઠની ઈજામાંથી સાજો થયો નથી. બુમરાહ ઑસ્ટે્રલિયા વિરુદ્ધ જાન્યુઆરીમાં સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો ન્હોતો.
બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે રમાયેલી આ શ્રેણીમાં ૩૨ વિકેટ પોતાના નામેકરી હતી પરંતુ ત્યારથી તે ટીમથી બહાર ચાલી રહ્યો છે. ઈજાગ્રસ્ત હોવાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમ્યો ન્હોતો.
જાણવા મળ્યા પ્રમાણે તે ઝડપથી સાજો તો થઈ રહ્યો છે પરંતુ જૂનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખી તે સંપૂર્ણ ફિટ થયા બાદ જ મેદાને ઉતરશે. બુમરાહ આઈપીએલના પ્રારંભીક રાઉન્ડમાં રમી શકશે નહીં. મુંબઈનો પ્રથમ મુકાબલો ૨૩ માર્ચે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ રમાશે. બુમરાહ એપ્રિલના પ્રથમ સપ્તાહથી ટીમ સાથે જોડાઈ શકે છે.