- પેરીસ ઓલમ્પિકમાં મનુ ધ માસ્ટરનો જલવો : ૨૫ મીટર પિસ્ટલના ફાઈનલમાં પ્રવેશ
પેરીસ ઓલમ્પિકમાં બબ્બે મેડલ જીતીને ભારતનું નામ રોશન કરનારી મનુ ભાકર પાસે શનિવારે ગોલ્ડ મેડલ જીતવાની તક છે. મનુ ભાકરે શુક્રવારે મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલના ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેને કુલ ૫૯૦ પોઈન્ટ મળ્યા હતા અને તે બીજા નંબરે રહી હતી. હવે ફાઈનલ જંગ શનિવારે ભારતીય સમય અનુસાર બપોરે ૧ વાગ્યે રમાશે.
મનુ ગોલ્ડ મેડલ જીતે તે માટે દેશભરમાં પ્રાર્થના થઇ રહી છે અને ભારે ઉત્તેજના છવાયેલી છે.
શુક્રવારે મનુ ભાકર ફાઈનલ માટે ક્વોલીફાય થઇ ગઈ પરંતુ ઈશા સિંહ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી. મનુ ભાકરને પ્રિસિઝનમાં ૨૯૪ અને રેપીડમાં ૨૯૬ મળી કુલ ૫૯૦ પોઈન્ટ મળ્યા હતા અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હંગેરીની મેજર વેરોનીકાને ૫૯૨ પોઈન્ટ મળ્યા હતા અને તે પહેલા નંબરે રહી હતી. ઈશાને ૫૮૧ પોઈન્ટ મળ્યા હતા અને તે ૧૦માં સ્થાને રહી હતી.
મનુ ભાકરે વ્યક્તિગત ૧૦ મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા પછી સરબજોત સિંહ સાથે મળી ને ડબલ્સમાં પણ બોન્ઝ મેડલ મેળવ્યો હતો. તે એક જ ઓલમ્પિકમાં બે મેડલ મેળવનારી ભારતની પહેલી ખેલાડી બની છે.
મનુએ કહ્યું હતું કે, હું મેડલની હેટ્રિક માટે પૂરો પ્રયત્ન કરીશ. મેડલ જીતવા માટે તો જાનની બાજી લગાડી દેશે.