કોહલી આફ્રિકાથી ‘અચાનક’ ભારત આવી ગયો ! ગાયકવાડ પણ આઉટ’
જો કે પહેલી ટેસ્ટ પહેલાં ટીમ સાથે જોડાઈ શકે કોહલી: ગાયકવાડને આંગળીમાં ઈજા થતાં ટેસ્ટ શ્રેણીમાંથી બહાર: ૨૬ ડિસેમ્બરથી પહેલી ટેસ્ટ
ભારતીય બેટર વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલાં જ ભારત આવી ગયો છે. તે થોડા દિવસ પહેલાં જ આફ્રિકા પહોંચ્યો હતો પરંતુ હવે અહેવાલો મળી રહ્યા છે કે પારિવારિક કારણોસર તેણે ભારત આવવું પડ્યું છે. ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલાં ભારત માટે આ મોટો ઝટકો છે કેમ કે કોહલી દિગ્ગજ બેટર છે. કોહલી ઉપરાંત ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થઈ જતાં ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે ગાયકવાડને આફ્રિકા વિરુદ્ધ બે ટેસ્ટની શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે જ્યારે કોહલી પ્રિટોરિયામાં રમાઈ રહેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ દરમિયાન જ ભારત આવી પહોંચ્યો છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાયકવાડ આંગળીની ઈજામાંથી બહાર આવી શક્યો નથી એટલા માટે તેને આરામ અપાયો છે. જ્યારે વિરાટ કોહલીની પારિવારિક ઈમરજન્સી શું છે તેની સ્પષ્ટતા થઈ શકી નથી. જો કે સૂત્રોએ કહ્યું કે ટેસ્ટ મેચ પહેલાં તે ટીમ સાથે જોડાઈ જશે.