ક્રિકેટમાં કાંગારુંનો કચ્ચરઘાણ
ઑસ્ટે્રલિયાના પર્થમાં ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ૨૯૫ રને જીત મેળવી કાંગારુઓના અભિમાનને ચકનાચૂર કરી દીધું હતું. નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમે આ કમાલ કરી બતાવી અનેકની બોલતી બંધ કરી દીધી હતી. ભારત તરફથી મળેલા ૫૩૪ રનના લક્ષ્યાંક હેઠળ ઑસ્ટે્રલિયા દબાઈ ગયું હતું અને માંડ ૨૩૮ રન સુધી જ પહોંચી શક્યું હતું. આ સાથે જ ભારત પાંચ મેચની શ્રેણીમાં ૧-૦થી આગળ થઈ ગયું હતું.
આવું પહેલી વખત બન્યું છે જ્યારે ઑસ્ટે્રલિયા પર્થ મેદાનમાં કોઈ ટેસ્ટ મેચ હાર્યું છે. ભારતની ઑસ્ટે્રલિયામાં રનોની દૃષ્ટિએ પણ આ સૌથી મોટી જીત છે. અગાઉ આવી જીત ભારતને ક્યારેય મળી ન્હોતી. છેલ્લે ૧૯૭૭માં ભારતીય ટીમે ઑસ્ટે્રલિયાને મેલબર્નમાં ૨૨૨ રને હરાવ્યું હતું. મોહાલીમાં ભારતે ૨૦૦૮માં ઑસ્ટે્રલિયાને ૩૦૮ રને હરાવ્યું હતું.
આ મેચમાં ભારતે પહેલાં બેટિંગ કરતાં ૧૫૦ રન બનાવ્યા હતા. જવાબમાં ઑસ્ટે્રલિયા ૧૦૪ રને આઉટ થઈ જતાં ભારતને ૪૬ રનની લીડ પ્રાપ્ત થઈ હતી. આ પછી બીજી ઈનિંગમાં ભારતે ૪૮૭ રન બનાવતાં ઑસ્ટે્રલિયાને જીત માટે ૫૩૪ રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો હતો. મેચના ચોથા દિવસે મોહમ્મદ સીરાજે સવારના સેશનમાં શાનદાર બોલિંગ કરી ખ્વાજા અને સ્મિથને પેવેલિયન મોકલી દીધા હતા. ઑસ્ટે્રલિયાએ લંચ સુધીમાં ૧૦૪ રનમાં જ પાંચ વિકેટ ગુમાવી હતી. જ્યારે ટે્રવિસ હેડે ૮૯ અને સ્મિથ ૧૭ રન બનાવી અમુક રન જોડ્યા હતા પરંતુ લંચ બાદ આ જોડી પણ તૂટી હતી. એકંદરે ભારત ચોથી ઈનિંગમાં એકદમ હાવિ થઈ ગયું હોવાથી ઑસ્ટે્રલિયન બેટરો રન બનાવવા માટે રીતસરનો સંઘર્ષ કરી રહ્યા હતા.