IPL 2025 : પંત, અય્યર, રાહુલ થયા ‘છૂટા’ !!
- પંતને દિલ્હી તો અય્યરને કેકેઆર સાથે `પગાર’ બાબતે થયો `લોચો’, રાહુલને લખનૌ પૂરતી કિંમત ચૂકવવા તૈયાર હતી છતાં અલગ થયો
- રાહુલ માટે ચેન્નાઈ, ગુજરાત સહિતની ટીમ લગાવશે પૂરું જોર: પંતનો દિલ્હી સાથેનો ૯ વર્ષનો સંબંધ પૂરો, અય્યર માટે મળી શકે છે `સરપ્રાઈઝ’
આઈપીએલ-૨૦૨૫નું મેગા ઑક્શન થાય તે પહેલાં દસેય ફ્રેન્ચાઈઝી દ્વારા પોતાની ટીમમાં જાળવી રાખેલા-છૂટા કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જાહેર થયેલી યાદીમાં ભારતના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ ઋષભ પંત, શ્રેયસ અય્યર અને કે.એલ.રાહુલ પોતાની ટીમમાંથી `છૂટા’ થઈ ગયા હતા મતલબ કે આ ખેલાડીઓ હવે આગામી સીઝનમાં કઈ ટીમ વતી રમે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
દિલ્હી કેપિટલ્સના રિટેન્શન લિસ્ટમાં ઋષભ પંતનું નામ સામેલ કરાયું ન્હોતી. અનેક તબક્કે વાતચીત થયા બાદ પંત-ફ્રેન્ચાઈઝી વચ્ચે વાત બની શકી ન્હોતી આવામાં હવે પંત દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં જોવા મળશે નહીં. પંત છેલ્લે ૯ વર્ષથી દિલ્હી કેપિટલ્સ વતી રમી રહ્યો હતો. છૂટા થવા પાછળનું કારણ એ રહ્યું કે દિલ્હી પંતને માત્ર એક ખેલાડી તરીકે ૧૮ કરોડમાં રિટેન કરવા માંગતી હતી કેમ કે ફ્રેન્ચાઈઝી પંતની કેપ્ટનશિપને લઈને આશ્વસ્ત ન્હોતી.
આ જ રીતે કોલકત્તા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને રિલિઝ કર્યો હતો. ૨૦૨૪માં કેકેઆર શ્રેયસની આગેવાનીમાં જ ચેમ્પિયન બની હતી. ફ્રેન્ચાઈઝી-અય્યર વચ્ચે પૈસાને લઈને વાત અટકી ગઈ હતી. પગાર અંગે યોગ્ય વાત નહીં થતાં ટીમે અય્યરને રિલિઝ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે અય્યરે કેકેઆર પાસે બહુ મોટો પગાર માંગ્યો હતો જે ટીમને પોસાય તેમ ન હોવાથી અય્યરને હરાજીમાં મુકવાનો નિર્ણય લીધો હતો.
જ્યારે લખનૌ સુપરજાયન્ટસના કેપ્ટન રાહુલે પણ ટીમથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. લખનૌ રાહુલને છૂટો કરવા તૈયાર ન્હોતી એટલા માટે તેણે રાહુલને સૌથી શ્રેષ્ઠ કિંમત ચૂકવવા તૈયારી દર્શાવી હતી પરંતુ રાહુલે વ્યક્તિગત અને વ્યવસાયિક કારણોસર ટીમથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવે રાહુલ માટે બેંગ્લોર, ગુજરાત, રાજસ્થાન અને ચેન્નાઈ પૂરી તાકાત લગાવી દેશે.