IPLમાં પ્રદર્શનના આધારે વર્લ્ડકપ ટીમ પસંદ નથી કરી: જય શાહ
વર્લ્ડકપ જીતવા માટે ટીમ ઈન્ડિયા પ્રબળ દાવેદાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે કહ્યું કે માત્ર આઈપીએલમાં પ્રદર્શનના આધારે ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમ પસંદ કરી શકાય નહીં. ભારતીય ક્રિકેટ ટીમની ટી-૨૦ વર્લ્ડકપ માટે જાહેરાત થઈ ત્યારે અનેક એવા ખેલાડીને જગ્યા મળી જેનું આઈપીએલમાં પ્રદર્શન સારું રહ્યું નથી. હાર્દિક પંડ્યા સહિત અનેક એવા ખેલાડી પણ ટીમમાં સામેલ છે જે બિલકુલ આઉટ ઑફ ફોર્મ છે.
જય શાહે એવું પણ કહ્યું કે કોવિડ-૧૯ વચ્ચે યુએઈમાં આઈપીએલનું આયોજન કરવું તેમની સૌથી મોટી ઉપલબ્ધી રહી હતી. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડકપ-૨૦૨૩માં હાર્યા બાદ ટી-૨૦ વર્લ્ડકપમાં જીત મેળવશે. તેમણે ઉમેર્યું કે પસંદગીકારો માત્રને માત્ર આઈપીએલના પ્રદર્શનને આધાર નથી બનાવતા કેમ કે વિદેશમાં રમવાનો ખેલાડીઓનો અનુભવ પણ ધ્યાન પર લેવો જરૂરી બની જાય છે.