IPLની રેકોર્ડતોડ સીઝન: ૧૪ કીર્તિમાન રચાયા
સૌથી વધુ સિક્સરથી લઈને સૌથી મોટા રન ચેઈઝ સહિતના રેકોર્ડ ૧૭મી સીઝનમાં નોંધાયા
૪૧ વખત ૨૦૦થી વધુનો સ્કોર, પાવરપ્લેમાં ૧૨૫ રન, સદી સહિતના રેકોર્ડ તોડવા મુશ્કેલ
આઈપીએલ-૧૭ના ફાઈનલમાં કોલકત્તાએ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે. સાથે જ આ વખતની ટૂર્નામેન્ટમાં એવા રેકોર્ડ બન્યા જેને તોડવા કદાચ મુશ્કેલ બની જશે. આ રેકોર્ડમાં એક જ ટી-૨૦ મેચમાં સૌથી વધુ સિક્સર, સૌથી મોટો સ્કોર, સૌથી મોટો રનચેઈઝ, સૌથી વધુ વખત ૨૦૦ કે તેનાથી વધુનો સ્કોર સહિતના રેકોર્ડ સામેલ છે.
આઈપીએલ-૨૦૨૪ની ૩૦મી મેચમાં બેંગ્લોર વિરુદ્ધ હૈદરાબાદે ઈતિહાસ રચતાં ૨૮૭ રન બનાવ્યા હતા. હૈદરાબાદે આ જ સીઝનમાં મુંબઈ સામે ૩ વિકેટે ૨૭૭રન પણ બનાવ્યા હતા. ૨૦૨૪ સીઝનમાં તેનાથી મોટા ચાર ટોટલ બની ગયા છે તેમાંથી ત્રણ હૈદરાબાદના નામે રહ્યા છે.
જ્યારે ૪૨મી મેચમાં પંજાબ કિંગ્સે ઈતિહાસ રચતા ટી-૨૦ ક્રિકેટ અને લીગ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઈઝ કર્યો હતો. કોલકત્તાએ ૨૬૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને પંજાબે બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ સીઝનમાં બેંગ્લોર-હૈદરાબાદ વિરુદ્ધ બન્ને ઈનિંગના મળી ૫૪૯ રન બન્યા હતા જે પણ એક રેકોર્ડ છે. આ વખતે કુલ ૧૪ સદી લાગી છે જે અત્યાર સુધીની સીઝનની સૌથી વધુ છે. અગાઉ ૨૦૨૩માં ૧૨ સદી લાગી હતી.
અત્યાર સુધી આઠ વખત ૨૫૦ અથવા તેનાથી વધુનો સ્કોર બન્યો છે. આ સીઝન પહેલાંની ૧૬ સીઝનમાં માત્ર બે વખત ૨૫૦+નો સ્કોર બન્યો હતો.આ સીઝનમાં ૪૧ વખત ૨૦૦ અથવા તેનાથી વધુનો સ્કોર બન્યો છે જે પાછલી તમામ સીઝન કરતા વધુ છે. પાછલા વર્ષની ૭૪ મેચની ૧૪૭ ઈનિંગમાં ૩૭ વખત ૨૦૦ અથવા તેનાથી વધુનો સ્કોર બન્યો હતો. કોલકત્તા-પંજાબ વચ્ચેની મેચમાં ૪૨ છગ્ગા લાગ્યા હતા જે પણ સૌથી વધુ છે તો બેંગ્લોર-હૈદરાબાદ વચ્ચેની મેચમાં ૮૧ બાઉન્ડ્રી લાગી હતી. એક જ ઈનિંગમાં ૨૪ છગ્ગાનો રેકોર્ડ પણ આ વખતે બન્યો છે તો પાવરપ્લેની ૬ ઓવરમાં ૧૨૫ રન બનાવવાનો કીર્તિમાન પણ રચાયો છે.