એશિયન ગેમ્સમાં ભારતની `મેડલ સદી’: ઈતિહાસ રચાયો
કબડ્ડીમાં ગોલ્ડ જીતીને પૂરી કરી સેન્ચુરી: ૧૦ ઑક્ટોબરે ભારતીય ખેલાડીઓનું સ્વાગત ખુદ મોદી કરશે
એશિયન ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચતા મેડલની સંખ્યા ૧૦૦એ પહોંચાડી દીધી છે. મહિલા કબડ્ડી ટીમે દેશ માટે ઐતિહાસિક ૧૦૦મો મેડલ જીત્યો હતો જે ગોલ્ડ હતો. ભારત માટે રમત ઈતિહાસમાં આ માત્ર બીજો પ્રસંગ છે જ્યારે કોઈ મલ્ટી સ્પોર્ટસ ઈવેન્ટ (એક કરતા વધુ રમતો)માં ભારતના મેડલની સંખ્યા ૧૦૦ને પહાર પહોંચી છે. આ પહેલાં વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ૧૦૧ મેડલ ભારતીય ખેલાડીઓએ જીત્યા હતા. જો કે આ રેકોર્ડ પણ તૂટવાની અણીએ છે કેમ કે ક્રિકેટ, બેડમિન્ટન, કબડ્ડી સહિતની રમતોમાં ભારતનો મેડલ પાક્કો છે.
ભારતને સૌથી વધુ મેડલ એથ્લેટિક્સમાં હાંસલ થયા છે. આ રમતમાં ભારતીય ખેલાડીઓએ છ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૨૯ મેડલ પોતાના નામે કર્યા છે. શૂટિંગ ભારતની બીજી સૌથી સફળ રમત રહી જ્યાં ભારતના ખાતામાં ૨૨ મેડલ આવ્યા છે. કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતની ક્લિન સ્વિપ રહી છે. ભારતની પુરુષ ટીમ ઈવેન્ટ, મહિલા ટીમ ઈવેન્ટ, મીક્સ્ડ ટીમ ઈવેન્ટ સાથે સાથે વ્યક્તિગત ગોલ્ડ પણ પોતાના નામે કર્યા છે.
એશિયન ગેમ્સમાં ૧૦૦ મેડલ પૂર્ણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ૧૦ ઑક્ટોબરે ભારતીય ટીમનું સ્વાગત કરશે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે દરેક અદ્ભૂત પ્રદર્શને ઈતિહાસ રચ્યો અને આપણું હૃદય ગર્વથી ભરી દીધું છે. હું ૧૦ ઑક્ટોબરે આપણા એશિયન ગેમ્સ રમવા ગયેલા ખેલાડીઓનું સ્વાગત કરીશ સાથે સાથે તેમની સાથે વાતચીત કરીશ.