પેરિસ ઑલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ: મનુ ભાકરે રચ્યો ઈતિહાસ
૧૦ મીટર એર પિસ્તલના ફાઈનલમાં જીત્યો બ્રોન્ઝ મેડલ: શૂટિંગમાં ભારતને મેડલ અપાવનારી પહેલી મહિલા શૂટર
ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પીસ્તલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય શૂટર બની છે. તેણે ફાઈનલમાં કુલ ૨૨૧.૭ પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે જ ઓલિમ્પિકમાં ભારતના મેડલનું ખાતું બ્રોન્ઝથી ખુલ્યું છે તો શૂટિંગમાં અત્યાર સુધીમાં ભારતને આ પાંચમો મેડલ પ્રાપ્ત થયો છે. કોરિયન ખેલાડીઓ ઓહ યે જિને ગોલ્ડ (૨૪૩.૨) અને કિમ યેજી (૨૪૧.૩)એ સિલ્વર મેડલ જીત્યો હતો.
મનુ ભાકર ૬૦ શોટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં કુલ ૫૮૦ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી. ભાકરે પહેલી સીરીઝમાં૯૭, બીજીમાં ૯૭, ત્રીજીમાં ૯૮, ચોથીમાં ૯૬, પાંચમીમાં ૯૬ અને છઠ્ઠી સીરીઝનમાં ૯૬ પોઈન્ટ મેળવ્યા હતા. વિમેન્સ ૧૦ મીટર એર પીસ્તલ ઈવેન્ટમાં રિધમ સાંગવાને પણ ભાગ લીધો હતો પરંતુ તેણે નિરાશ કર્યા હતા. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પોતાના બીજા ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ડેબ્યુ કર્યું હતું પરંતુ ૧૦ મીટર એર પીસ્તલ ક્વોલિફિકેશન દરમિયાન તેની પીસ્તલ ખરાબ થઈ જવાને કારણે તેણે મેડલથી વંચિત રહેવું પડ્યું હતું.
શૂટિંગમાં ભારતને મેડલ અપાવનાર ખેલાડી
ખેલાડી મેડલ ઓલિમ્પિક વર્ષ
રાજ્યવર્ધનસિંહ રાઠૌર સિલ્વર એથેન્સ ૨૦૦૪
અભિનવ બિન્દ્રા ગોલ્ડ બીજિંગ ૨૦૦૮
ગગન નારંગ બ્રોન્ઝ લંડન ૨૦૧૨
વિજય કુમાર સિલ્વર લંડન ૨૦૧૨
મનુ ભાકર બ્રોન્ઝ પેરિસ ૨૦૨૪