વર્લ્ડકપ પહેલાં આજથી છેલ્લી ટી-૨૦ શ્રેણી રમશે ભારત
ભારત-અફઘાન વચ્ચે મોહાલીમાં પહેલી ટી-૨૦ મેચ: ૧૪ મહિના બાદ વાપસી કરી રહેલા રોહિત-કોહલી પર સૌની નજર: સાંજે ૭ વાગ્યાથી મુકાબલો શરૂ
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજથી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમાશે. આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે કેમ કે આ વર્ષના મધ્યમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં ટીમની આ છેલ્લી ટી-૨૦ શ્રેણી છે. ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-૨૦ ક્રિકેટમાં ૧૪ મહિના બાદ વાપસી કરશે. ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ના સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ આ બન્ને ટી-૨૦ ક્રિકેટથી દૂર છે.
આજે રમાનારો મુકાબલો સાંજે ૭ વાગ્યાથી મોહાલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થશે. આ પછી ૧૪ જાન્યુઆરીએ ઈન્દોર અને ત્રીજી ટી-૨૦ ૧૭ જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે. આ શ્રેણીનું લાઈવ પ્રસારણ સ્પોર્ટસ-૧૮ નેટવર્ક ઉપર થશે. ટી-૨૦ શ્રેણીનું લાઈવ સ્ટ્રિમિંગ જિયો સીનેમા એપ અને વેબસાઈટ ઉપર ફ્રીમાં થશે.
મોહાલીની પીચ બેટરો માટે સ્વર્ગ માનવામાં આવે છે. જો કે ફાસ્ટ બોલરો માટે અહીંની પીચ અનુકુળ છે. સ્પિનર્સને પણ અહીં મદદ મળે છે. ટી-૨૦ મેચમાં વિકેટ બહુ બદલાતી નથી. ઝાકળ પણ અહીં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મોહાલીમાં રમાયેલી પાછલી ટી-૨૦ મેચમાં ઓસ્ટે્રલિયાએ ૨૦૯ રનના સ્કોરનો પીછો કર્યો હતો. અહીં ૧૮૩ રન પહેલી ઈનિંગનો સરેરાશ સ્કોર છે.
ભારત-અફઘાનિસ્તાનનો પાંચ વખત ટી-૨૦ ક્રિકેટમાં આમનો-સામનો થયો છે જેમાંથી ચાર ભારતે જીતી છે તો એક મેચ અનિર્ણિત રહી છે. ભારત-અફઘાન વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય ટી-૨૦ શ્રેણી રમાશે. આ પહેલાં બન્નેની ટી-૨૦ વર્લ્ડકપ અને એશિયા કપમાં ટક્કર થઈ હતી.
મેચ પહેલાં જ અફઘાનને ઝટકો: રાશિદ ખાન `આઉટ’
ભારત સામે આજે ટી-૨૦ મુકાબલો રમાય તે પહેલાં જ અફઘાન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઈબ્રાહિમ જાદરાને કહ્યું કે રાશિદ ખાન આ શ્રેણીમાં રમી શકશષ નહીં. રાશિદની સર્જરી કરવામાં આવી છે એટલા માટે તેને ટીમ માટે ઉપલબ્ધ થવામાં સમય લાગશે.