એશિયન ગેમ્સમાં રેકોર્ડ જીત સાથે ભારત ફાઈનલમાં
મહિલા ટીમ ચેમ્પિયન બન્યા બાદ હવે પુરુષ ક્રિકેટ ટીમે મેળવી ફાઈનલની ટિકિટ: માત્ર ૫૬ બોલમાં જ બાંગ્લાદેશને હરાવ્યું
તીલક વર્માની તોફાની બેટિંગની મદદથી ભારતીય ટીમ એશિયન ગેમ્સ પુરુષ ટી-૨૦ ક્રિકેટ ટીમ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. ભારતને જીતવા માટે માત્ર ૯૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેને તેણે માત્ર ૯.૨ ઓવરમાં મતલબ કે ૫૬ બોલમાં પૂર્ણ કરી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમે રેકોર્ડ જીત પણ હાંસલ કરી છે. ભારતીય ટીમે ૬૪ બોલ બાકી રાખીને જીત મેળવી છે જે ટી-૨૦માં બીજી સૌથી મોટી જીત છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની વિકેટ ૦ રને પડી ગઈ હતી પરંતુ ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ અને તીલક વર્માએ એવું તોફાન મચાવ્યું કે માત્ર ૩.૪ ઓવરમાં સ્કોર ૫૦ને પાર પહોંચાડી દીધો હતો. ટી-૨૦ ક્રિકેટમાં આ ફાસ્ટેસ્ટ ફિફટી છે.
આ ઉપરાંત તીલક વર્માએ ટી-૨૦ નોકઆઉટ મેચમાં ફિફટી બનાવી છે. આવું કરનારો તે સૌથી યુવા ખેલાડી છે. તેણે ૨૦ વર્ષની ઉંમરે જ આ કારનામું કર્યું છે. જ્યારે ટી-૨૦ ક્રિકેટમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો આ સૌથી નાનો સ્કોર પણ છે. આ પહેલાં ૨૦૧૬માં બાંગ્લાદેશની ટીમ ઢાકામાં રમાયેલા ટી-૨૦ મુકાબલામાં ૧૨૧ રન જ બનાવી શકી હતી.
પાકિસ્તાનને હરાવી અફઘાનિસ્તાન ફાઈનલમાં
એશિયન ગેમ્સમાં સેમિફાઈનલના અન્ય મુકાબલામાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે ત્યારે હવે આજે સવારે ૧૧:૩૦ વાગ્યે ભારત સામે તેનો ગોલ્ડ મેડલ માટે મુકાબલો રમાશે. પાકિસ્તાને પહેલા દાવ લેતા ૧૧૫ રન બનાવ્યા જવાબમાં અફઘાની ટીમે ૬ વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.