ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને રગદોળ્યું
મહિલા ટીમને પહેલી જીત: ૧૦૬ રનના લક્ષ્યાંકને ૪ વિકેટ ગુમાવી કર્યો હાંસલ
બોલિંગમાં અરુંધતી તો બેટિંગમાં શેફાલીની કમાલ
આઈસીસી વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પોતાની પહેલી જીત હાંસલ કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતને જીત માટે ૧૦૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેને તેણે ૧૮.૫ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા ૯ ઑક્ટોબરે શ્રીલંકા સામે ટકરાશે.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન્હોતી અને સ્મૃતિ મંધાના ૭ રન બનાવી આઉટ થઈ હતી. અહીંથી શેફાલી વર્મા અને જેમિમા રોડ્રીગ્સે ઈનિંગ સંભાળી અને બીજી વિકેટ માટે ૪૩ રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ોફાલી અને જેમિમા બન્ને આઉટ થઈ ગયા હતા. શેફાલીએ ૩૨ તો જેમિમાએ ૨૩ રન બનાવ્યા હતા. આ પછી ઋચા ઘોષ પણ ૦ રને આઉટ થઈ જતાં ભારતનો સ્કોર ૪ વિકેટે ૮૩ રન થયો હતો. સળંગ બે વિકેટ પડક્ષ જવાને કારણે ભારતીય ટીમ થોડી દબાણમાં આવી ગઈ હતી.
અહીંથી કેપ્ટન હરમનપ્રિત કૌર અને દીપ્તિ શર્માએ ટીમને જીતની નજીક પહોંચાડી દીધા હતા. હરમને ૨૪ બોલમાં ૨૯ અને દીપ્તીએ ૭ રન બનાવ્યા હતા. આ પહેલાં બોલિંગમાં ભારત વતી અરુંધતી રેડ્ડીએ ત્રણ વિકેટ ખેડવી હતી.
