CTમાં પાકિસ્તાન સિવાય દરેક ટીમના બેટરે ફટકારી સદી : ન્યુઝીલેન્ડના ત્રણ બેટર 100 રન સુધી પહોંચ્યા તો ભારત વતી કોહલી-ગીલ મોખરે
પાકિસ્તાન ટીમના ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોઈ જ ઠેકાણા જોવા મળ્યા ન્હોતા. પહેલાં જ રાઉન્ડમાં ટીમ બહાર થઈ ગયા બાદ હવે સદી મામલે અફઘાન પણ તેના કરતાં આગળ નીકળી ગયું છે. ગત ચેમ્પિયન અને યજમાન પાકિસ્તાન વતી આ વખતે એક પણ સદી બની ન્હોતી. પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જેનો કોઈ બેટર ૧૦૦ રન સુધી પહોંચી શક્યો ન્હોતો.
ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં અત્યાર સુધીમાં દસ સદી લાગી છે જે સંયુક્ત રીતે સૌથી વધુ છે. ૨૦૦૨ અને ૨૦૧૭માં પણ ૧૦ સદી લાગી હતી. પાકિસ્તાન માટે શરમજનક વાત એ છે કે તે ઘરઆંગણે રમ્યું હોવા છતાં તેના બેટરોને રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
આ વખતે સૌથી વધુ સદી ન્યુઝીલેન્ડે બનાવી છે. ન્યુઝીલેન્ડના ત્રણ બેટરે આ ટૂર્નામેન્ટમાં સદી બનાવી છે જેમાં વિલ યંગ, કેપ્ટન ટૉમ લાથમ અને રચિન રવિન્દ્રનો સમાવેશ થાય છે. જ્યારે ભારત વતી શુભમન ગીલ અને વિરાટ કોહલીએ સદી બનાવી હતી. બાંગ્લાદેશ, આફ્રિકા, ઑસ્ટે્રલિયા અને અફઘાનના પણ એક-એક બેટરે સદી પૂર્ણ કરી હતી.