હું જીવતો જ છું !
ઝીમ્બાબ્વેના દિગ્ગજ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું નિધન થયાની સાથી ક્રિકેટરે જાહેરાત કરી’ને ગામ ગાંડું થયું: સેહવાગ, કુંબલે સહિતના ક્રિકેટરોએ તો શ્રદ્ધાંજલિ પણ પાઠવી દીધી
ઝીમ્બાબ્વે ક્રિકેટના દિગ્ગજ ખેલાડી હીથ સ્ટ્રીકને પોતાનું મોત થયું હોવાની વાતને ફગાવી દીધી છે. સ્ટ્રીકે આ સમાચારને ખોટા ગણાવતાં કહ્યું કે તે જીવિત છે અને એકદમ સ્વસ્થ છે. હું અત્યારે બુલાવાયોમાં પોતાના ફાર્મહાઉસ ઉપર છું. મારી સારવાર ચાલી રહી છે. આશ્ર્ચર્યની વાત એ છે કે સ્ટ્રીકના પૂર્વ સાથી હેનરી ઓલાંગા જ એ શખ્સ હતો જેણે સવારે ટવીટ કર્યું હતું કે તેના પૂર્વ સાથી ખેલાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. જો કે થોડા કલાક બાદ વધુ એક ટવીટમાં ઓલાંગાએ પોતાના દાવાને ફગાવતાં કહ્યું કે હીથ સ્ટ્રીક જીવિત છે !
ઓલાંગાએ પોતાના બીજા ટવીટમાં લખ્યું કે હીથ સ્ટ્રીકના મોતના અહેવાલો તદ્દન ખોટા છે. મેં તેમની સાથે વાત કરી છે. જો કે થોડા કલાક પહેલાં ઓલાંગાએ જ પોતે જાહેરાત કરી હતી કે સ્ટ્રીકનું નિધન થયું છે. 49 વર્ષીય સ્ટ્રીકે 2005માં 31 વર્ષની વયે સંન્યાસની જાહેરાત કરી હતી. સ્ટ્રીક હજુ પણ એકમાત્ર ઝીમ્બાબ્વેનો ખેલાડી છે જેના નામે ટેસ્ટ અને વન-ડેમાં 100થી વધુ વિકેટ છે. તેણે 2000માં ઝીમ્બાબ્વેની કેપ્ટનશિપ સંભાળી હતી. આ વેળાએ અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાંથી હટી ગયા હતા કેમ કે બોર્ડ અને ટીમ વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા હતા. પોતાના શાનદાર કરિયરમાં સ્ટ્રીકે 65 મેચ રમી અને 216 વિકેટ ખેડવી હતી. જ્યારે વન-ડે ફોર્મેટની 189 મેચમાં તેના નામે 239 વિકેટ છે.
