ટેસ્ટ ક્રિકેટને બચાવવા ICCએ બનાવ્યો માસ્ટર પ્લાન
- ટી-૨૦ ક્રિકેટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરતાં ખેલાડીઓને ટેસ્ટ તરફ વાળવા પ્રયાસ
- ૧૨૬ કરોડ રૂપિયાનું અલગથી ફંડ તૈયાર કરાશે જેથી ટેસ્ટ ક્રિકેટરોની ફીમાં થશે વધારો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે એક મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે. આ માટે તે ૧૫ મિલિયન અમેરિકી ડોલર (૧૨૬ કરોડ રૂપિયા)નું અલગથી ફંડ તૈયાર કરવાની દિશામાં કામ કરી રહી છે. આમ થવાથી ખેલાડીઓની મેચ ફી વધારવામાં મદદ મળશે સાથે સાથે ટી-૨૦ ફ્રેન્ચાઈઝી લીગ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવાથી પણ રોકી શકાશે.
સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ ઑસ્ટે્રલિયાએ આ પ્રકારનો પ્રસ્તાવ મુક્યો છે જેને બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડનું સમર્થન મળ્યું છે.આ ફંડથી ટેસ્ટ ક્રિકેટરોની લઘુત્તમ મેચ ફીમાં વધારો થો અને તે વિદેશ પ્રવાસે જનારી યીમને મોકલવા બદલ થનારા ખર્ચને કવર કરશે. આ ફંડથી વિન્ડિઝ જેવા ક્રિકેટ બોર્ડને મદદ મળશે જેના ખેલાડી ટેસ્ટ ક્રિકેટની જગ્યાએ વિશ્વની અલગ-અલગ ટી-૨૦ ટૂર્નામેન્ટ રમવા ઉપર ભાર આપી રહ્યા છે.
આ ફંડથી ત્રણ ધનિક ક્રિકેટ બોર્ડ ભારત, ઑસ્ટે્રલિયા અને ઈંગ્લેન્ડને કોઈ પ્રકારનો લાભ મળવાની શક્યતા નથી કેમ કે તે પહેલાંથી જ પોતાના ખેલાડીઓને પર્યાપ્ત પગાર આપી રહ્યા છે.રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે આ ફંડની વ્યવસ્થા ઉભી થયા બાદ તમામ ખેલાડીઓનો લઘુત્તમ પગાર નક્કી થશે જે લગભગ ૧૦,૦૦૦ ડૉલર હશે. આ ઉપરાંત એ દેશોના વિદેશી પ્રવાસનો ખર્ચ ઉઠાવવામાં પણ મદદ મળશે જે ટેસ્ટ ક્રિકેટમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.