પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંત કેવી રીતે આવ્યો મુશ્કેલીમાં ? .. જુઓ
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત વિવાદોમાં ફસાયો છે. આ વખતે તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. શ્રીસંત સામે કેરળમાં પોલીસે કેસ નોંધ્યો છે. શ્રીસંતની સાથે તેના બે નજીકના મિત્રોના નામ પણ તેમાં સામેલ છે. કેરળ જિલ્લામાં એક વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.
ફરિયાદ કરનાર સરીશ ગોપાલને આરોપ લગાવ્યો છે કે આરોપી રાજીવ કુમાર અને વેંકટેશ કિનીએ 25 એપ્રિલ 2019થી જુદી જુદી તારીખો પર શ્રીસંતની સાથે મળીને એક સ્પોર્ટ્સ એકેડમી બનાવવાનો દાવો કરી તેની પાસેથી 18.70 લાખ રૂપિયા લીધા હતા. આ એકેડમીનું નિર્માણ કર્ણાટકના કોલ્લૂર જિલ્લામાં થવાનું હતું.
સરીશે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને એકેડમીના પાર્ટનર બનવાની ઓફર કરવામાં આવી હતી, જેના માટે તેણે પૈસા લગાવ્યા હતા. આ મામલામાં એસ શ્રીસંત અને અન્ય બે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં શ્રીસંતને ત્રીજા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે.