રણજીમાં રમ્યો, ઈંગ્લેન્ડને ધોયું’ને હવે ફરી રણજી ટ્રોફીમાં રમશે : વર્કલોડના બૂમબરાડા પાડતાં ખેલાડીઓ માટે શિવમ દૂબે બન્યો ઉત્તમ ઉદાહરણ
ભારતનો ટી-૨૦ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઑલરાઉન્ડર શિવમ દુબે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ મેચ માટે મુંબઈની ૧૮ ખેલાડીઓની ટીમમાં સામેલ થઈ ગયો છે. ૮ ફેબ્રુઆરીથી મુંબઈ ટીમ રણજી ટ્રોફીમાં હરિયાણાનો સામનો કરશે. સૂર્યકુમાર અને દુબે બન્ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં રમાયેલી પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. આ બન્નેએ આ વખતની રણજી ટ્રોફીમાં એક-એક મેચ રમી છે.
મુંબઈએ મેઘાલયને ઈનિંગ અને ૪૫૬ રને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. સૂર્યકુમાર પાછલા વર્ષે ઑક્ટોબરમાં મુંબઈ વતી મહારાષ્ટ્ર વિરુદ્ધ રણજી ટ્રોફી મેચ રમ્યો હતો જ્યારે શિવમ જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં ટીમનો હિસ્સો હતો જેમાં રોહિત શર્મા પણ સામેલ હતો. રણજી રમ્યા બાદ તે સીધો ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો. ટીમ ઈન્ડિયા વતી રમ્યા બાદ હવે આરામ કરવાની જગ્યાએ ફરી તે મુંબઈ સાથે જોડાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વારંવાર વર્કલોડ વર્કલોડના બૂમબરાડા પાડતાં હોય છે ત્યારે એવા ખેલાડીઓ માટે દૂબે એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે.