૮ વર્ષ બાદ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ કરી બોલિંગ : હાર્દિકની બાકી રહેલી બોલિંગના ત્રણ બોલ ફેંક્યા
દડો રોકવાના પ્રયાસમાં પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ: હાર્દિકની બાકી રહેલી બોલિંગના ત્રણ બોલ કોહલીએ ફેંક્યા
ભારત-બાંગ્લાદેશ વચ્ચે પૂનામાં રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હોય તેવી રીતે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થઈ જતાં ગ્રાઉન્ડ છોડવું પડ્યું હતું. નવમી ઓવરના ત્રીજા બોલ બાદ બોલને રોકવાના પ્રયાસમાં તેણે જમણો પગ વચ્ચે નાખવાની કોશિશ કરી આવામાં તેના ડાબા પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી. આ પછી ફિઝિયો મેદાન પર આવ્યો અને તેણે ડાબા પગમાં ટેપ બાંધી હતી. ત્યારબાદ હાર્દિકે પાછી બોલિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બોલ ફેંકી શક્યો ન્હોતો. આવામાં રોહિત શર્માએ હાર્દિક પાસે બોલિંગ કરાવવાનું ટાળ્યું હતું અને હાર્દિકની બોલિંગના બાકી રહેલા ત્રણ બોલ વિરાટ કોહલી પાસે ફેંકાવાયા હતા. આ સાથે જ આઠ વર્ષ બાદ વર્લ્ડકપમાં કોહલીએ બોલિંગ કરી હતી.
ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક ફિઝિયો સાથે મેદાન બહાર ચાલ્યો ગયો હતો અને કોહલીએ બાકી રહેલા ત્રર બોલ ફેંક્યા અને બે સિંગલ આપ્યા હતા. હાર્દિકની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે કે તેની ઈજા કેટલી ગંભીર છે. જો હાર્દિક એકાદ-બે મેચમાંથી બહાર થઈ જશે તો ટીમ માટે મોટી ખોટ ગણાશે કેમ કે તે ઑલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે અને ખાસ કરીને બોલિંગમાં તે કમાલ કરી રહ્યો છે.