ગીલ-બિશ્નોઈની `બાદશાહત’ છીનવાઈ ગઈ !
વન-ડે રેન્કીંગમાં ગીલ તો ટી-૨૦ રેન્કીંગમાં બિશ્નોઈ પાછળ ધકેલાયા: બાબર વન-ડેમાં તો સૂર્યકુમાર યાદવ ટી-૨૦માં નંબર વન
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ ખેલાડીઓનું નવું રેન્કીંગ જાહેર કર્યું છે જેમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાનનો બાબર આઝમ ફરી વખત વન-ડેનો નંબર વન બેટર બન્યો છે તો ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગીલ બીજા ક્રમે ધકેલાયો છે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા ક્રમે પહોંચ્યા છે. ભારતના ત્રણેય ખેલાડીએ પાછલા મહિને વર્લ્ડકપ પૂર્ણ થયા બાદથી કોઈ વન-ડે મેચ રમી નથી.
ગીલે વર્લ્ડકપ દરમિયાન બાબરને પાછળ છોડતાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયા અત્યારે સાઉથ આફ્રિકામાં ત્રણ મેચની વન-ડે શ્રેણી રમી રહી છે પરંતુ ગીલ, કોહલી અને રોહિત ટીમનો હિસ્સો નથી. આફ્રિકાનો રાસી વાન ડેર ડુસેન આઠમા અને હેનરિક ક્લાસેન ૧૦મા ક્રમે છે. આયર્લેન્ડનો હૈરી ટેક્ટર વન-ડે બેટરોના રેન્કીંગમાં એક સ્થાન ઉપર ચડીને સાતમા ક્રમે પહોંચી ગયો છે.
બોલરોની વાત કરીએ તો ભારતના સ્પીનર રવિ બિશ્નોઈની બાદશાહત પણ છીનવાઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ત્રણ ક્રમની છલાંગ લગાવીને હવે ટોપ પર પહોંચી ગયો છે. રાશિદે વિન્ડિઝ વિરુદ્ધ ટી-૨૦ શ્રેણીમાં ૬ શિકાર કર્યા હતા. જ્યારે બિશ્નોઈને બે સ્થાનનું નુકસાન ગયું હોવાથી તે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. અફઘાનનો સ્પીનર રાશિદ ખાન બીજા ક્રમે યથાવત છે.
સૌથી નાના ફોર્મેટના બેટરોની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ પ્રથમ ક્રમે યથાવત છે. સૂર્યાએ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટી-૨૦માં તોફાની સદી ફટકારી હતી. પાકિસ્તાનનો અનુભવી વિકેટકિપર-બેટર મોહમ્મદ રિઝવાન બીજા તો આફ્રિકાનો એડેન માર્કરમ ત્રીજા સ્થાને છે.