16 વર્ષમાં પહેલીવાર સુપર ઓવરમાં એક પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ટીમ
ટી-૨૦ આંતરરાષ્ટ્રીયની ૩૩મી મેચ ટાઈ થઈ’ને બન્યો રેકોર્ડ
ટી-૨૦ ક્રિકેટમાં મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરનો ઉપયોગ ૧૬ વર્ષથી કરવામાં આવી રહ્યો છે પરંતુ બહરીન-હોંગકોંગ વચ્ચેની મેચમાં કંઈક એવું બન્યું જે અગાઉ આંતરરાષ્ટ્રીય મેચમાં ક્યારેય બન્યું નથી. કુઆલાલમ્પુરમાં હોંગકોંગ વિરુદ્ધ બહરીન ટીમે સુપર ઓવરમાં એક પણ રન બનાવ્યા વગર બન્ને વિકેટ ગુમાવી દીધી હતી.
મલેશિયા ટ્રાઈ સિરીઝની આ મેચ દરમિયાન હોંગકોંગે ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં સાત વિકેટે ૧૨૯ રન બનાવ્યા હતા. જવાબમાં બહરીનના ઓપનર ફિયાઝ અહમદ અને પ્રશાંત કુરુપે પહેલી ચાર ઓવરમાં ૩૦ રન બનાવીને ઝડપી શરૂઆત અપાવી હતી. આ પછી નિયમિત વિકેટ પડવા છતાં બહરીન ટીમ ૧૨૭ રન સુધી પહોંચી ગઈ હતી જેના કારણે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.
સુપર ઓવરમાં બહરીન વતી નાસિર ખાતું ખોલી શક્યો ન્હોતો. આ પછી સોહેલ અહમદ પણ આઉટ થઈ જતાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ હોંગકોંગે પોતાની બેટિંગના ત્રીજા બોલે એક રન લઈ જીત હાંસલ કરી હતી. પુરુષ ટી-૨૦ ઈન્ટરનેશનલના ઈતિહાસમાં ૩૩મી વખત મેચ ટાઈ થઈ હતી.