આજે ભારત-આફ્રિકા વચ્ચે `ફાઈનલ’
ત્રણ મેચની શ્રેણીમાં આફ્રિકા ૧-૦થી આગળ, જીતશે તો શ્રેણી કબજે, ભારત જીતે તો સરભર: રાત્રે ૮:૩૦ વાગ્યાથી ટક્કર: વરસાદની શક્યતા
ભારત-આફ્રિકા વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીનો ત્રીજા અને અંતિમ મુકાબલો આજે રાત્રે ૮:૩૦ વાગ્યાથી રમાશે. આ શ્રેણીમાં ભારતીય ટીમ ૦-૧થી પાછળ છે ત્યારે ભારત આ મેચ જીતીને શ્રેણી સરભર કરવા તેમજ આફ્રિકા જીત મેળવીને શ્રેણી કબજે કરવા મેદાને ઉતરશે.
ભારતે આફ્રિકાના ધ વાન્ડર્સ મેદાન ઉપર અત્યાર સુધી પાંચ ટી-૨૦ મેચ રમી છે તમામમાં જીત મેળવી છે. તેણે છેલ્લે અહીં ૧૮ ફેબ્રુઆરી-૨૦૧૮માં મેચ રમી હતી અને ૨૮ રને વિજય હાંસલ કર્યો હતો. જોહાનિસબર્ગ સ્થિત ધ વાન્ડર્સમાં અત્યાર સુધી ૩૨ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે જેમાં પહેલાં બેટિંગ કરનારી ટીમ ૧૫ અને બીજી બેટિંગ કરનારી ટીમ ૧૭ વખત જીતી છે. આ મેદાન પર પહેલાં બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર ૧૭૫ રન રહ્યો છે જ્યારે હાઈએસ્ટ સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકા (૨૬૦/૬)ના નામે છે તો સૌથી ઓછો સ્કોર બાંગ્લાદેશ (૮૩/૧૦)ના નામે છે. પાછલી બન્ને મેચની જેમ આ મેચમાં પણ વરસાદની શક્યતા છે.