મેઘરાજાના ખમૈયા કરે તો મેચમાં ચોગ્ગા-છગ્ગાનો `વરસાદ’ નિશ્ચિત
ભારત શ્રેણી જીતી લીધા બાદ હવે ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કરવા તો ઓસ્ટ્રેલિયા આબરૂ બચાવવા ઉતરશે મેદાને: રોહિત-કોહલી-હાર્દિક-કુલદીપના કમબેકથી ટીમ બનશે વધુ મજબૂત
સવારે ૧૦થી જ ક્રિકેટરસિકોની સ્ટેડિયમ તરફ દોટ: ૧:૩૦ વાગ્યાથી મુકાબલો શરૂ: શહેરમાં આખો દિવસ મેચની જ ચર્ચા થયે રાખશે
સાત મહિના બાદ રાજકોટના આંગણે ફરી આંતરરાષ્ટ્રીય મુકાબલો આજે રમાવા જઈ રહ્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બપોરે ૧:૩૦ વાગ્યાથી વન-ડે મેચ રમાનાર છે જેમાં બન્ને ટીમ ફાઈટ ટુ ફિનિશના ઈરાદા સાથે મેદાન પર ઉતરવાની છે એટલા માટે જો આ મુકાબલા દરમિયાન મેઘરાજા ખમૈયા કરશે તો ચોગ્ગા-છગ્ગાનો `વરસાદ’ નિશ્ચિત માની શકાય. ભારતે ત્રણ મેચની આ શ્રેણી ૨-૦થી જીતી લીધી છે એટલા માટે આજની મેચ તેના માટે એક રીતે ઔપચારિક છે પરંતુ ૪૦ વર્ષમાં પહેલીવાર તેની પાસે કાંગારું ટીમનો વ્હાઈટ વોશ કરવાની તક હોવાને કારણે આ તકને ઝડપી લેવા માટે તે કોઈ પ્રકારની કસર બાકી રાખશે નહીં. બીજી બાજુ ઑસ્ટે્રલિયા પોતાની આબરૂ બચાવવા ખાતર આ મુકાબલો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. ટીમ ઈન્ડિયા વધુ મજબૂત બનીને ઉતરશે કેમ કે હવે રોહિત-કોહલી-હાર્દિક-કુલદીપ સહિતના સ્ટાર ખેલાડીઓ ટીમ સાથે જોડાઈ ગયા છે. એકંદરે સવારે ૧૦ વાગ્યાથી જ ક્રિકેટરસિકોની સ્ટેડિયમ તરફ દોટ જોવા મળશે કેમ કે ૧૧:૩૦ વાગ્યાથી ટિકિટ ધરાવતાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. મેચને લઈને આજે આખો દિવસ ઠેર-ઠેર ક્રિકેટની જ ચર્ચા સાંભળવા મળશે.
એક જ મહિનામાં ૧૨૦૦થી વધુ રન લૂંટાવી દેનાર ઑસ્ટે્રલિયન બોલરોની અગ્નિપરીક્ષા
ઓસ્ટ્રેલિયાએ એક જ મહિનામાં આફ્રિકા અને ભારત સામે મળીને કુલ સાત વન-ડે મેચ રમી છે જેમાં તેના બોલરોએ ત્રણ વખત ૩૦૦+ અને એક વખત ૪૦૦+ મળી ૧૨૦૦થી વધુ રન લૂંટાવી દીધા છે ત્યારે આજની મેચમાં બોલરોની અગ્નિપરીક્ષા થઈ જવાની છે કેમ કે ભારતે આ શ્રેણીમાં તેના બોલરોને ધોવામાં જરા અમથી કચાશ રાખી નથી !
આ વખતે પણ ટોસ જ બનશે બોસ
આજની મેચમાં બન્ને ટીમો માટે ટોસ જીતવો જરૂરી બની રહેશે. અત્યાર સુધી અહીં ત્રણ વન-ડે મેચ રમાઈ છે જે ત્રણેયમાં પહેલાં બેટિંગ કરનારી ટીમ જીતી છે મતલબ કે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય અહીં ફાયદાકારક સાબિત થયો છે. ચેઈઝ કરતી વખતે અત્યાર સુધી અહીં કોઈ ટીમ જીતી શકી નથી.
રોહિત સાથે ઈશાન કિશન કરશે ઓપનિંગ: ગીલ-શાર્દૂલને અપાશે આરામ
આજની મેચમાં ભારતના સીનિયર ખેલાડીઓ જેવા કે કોહલી, રોહિત, કુલદીપ, હાર્દિક સહિતના રમવાના છે ત્યારે શુભમન ગીલ, શાર્દૂલ ઠાકુર સહિતના ખેલાડીને આરામ અપાશે. ભારત વતી ઓપનિંગમાં રોહિત શર્મા અને ઈશાન કિશન મેદાને ઉતરશે. જ્યારે કોહલી વનડાઉન આવશે. આવી જ રીતે બોલિંગમાં જસપ્રિત બુમરાહ વાપસી કરશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આર.અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સીરાજ
તમને ખબર છે ? શુભમન ગીલ રાજકોટની જ `શોધ’ છે !
જાણીને સૌને આશ્ચર્ય થશે કે ભારતીય ટીમના ઓપનિંગ બેટર શુભમન ગીલ રાજકોટની જ શોધ છે. આવું એટલા માટે કેમ કે મુળ રાજકોટના એવા પૂર્વ ક્રિકેટર કરશન ઘાવરી જ્યારે એક દશકા પહેલાં મોહાલીમાં ફાસ્ટ બોલરોને તૈયાર કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ગીલ ઉપર પડી હતી. મોહાલીમાં અન્ડર-૧૯ કેમ્પ દરમિયાન પૂરતા બેટરો ન્હોતા એટલા માટે પંજાબ ક્રિકેટ એસો. પાસે વધુ બેટરો મોકલવાનો અનુરોધ કરાયો હતો. આ વેળા ગીલ માત્ર ૧૨ વર્ષનો હતો જેની રમત જોઈને ઘાવરી અભિભૂત થઈ ગયા હતા અને તેમની અન્ડર-૧૯ ટીમમાં પસંદગી કરાવી હતી.
રાજકોટમાં `ફાઈનલ’ થશે વર્લ્ડકપની પ્લેઈંગ ઈલેવન
આવતાં મહિનાથી વન-ડે વર્લ્ડકપ શરૂ થવાનો છે તેમાં ભારતીય ટીમ પ્રબળ દાવેદાર હોવાથી તૈયારીમાં કોઈ પ્રકારની કચાશ રાખશે નહીં. વર્લ્ડકપ પહેલાં આજે ભારતીય ટીમ છેલ્લી વન-ડે રમનાર હોવાથી તેમાં વર્લ્ડકપમાં ઉતરનારી મોટાભાગની ટીમ સાથે જ મેદાને ઉતરશે. એકંદરે રાજકોટથી જ વર્લ્ડકપની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ થઈ જશે. બીજી બાજુ ૨૮ ઑક્ટોબર સુધીમાં આઈસીસીને પોતાની ૧૫ ખેલાડીઓની ટીમ જણાવવાની છે ત્યારે આ મેચ બાદ ફેરફાર પણ થઈ જશે.